આદિવાસી સમાજ ગુજરાતની વિરાસત છે : વિજય રૂપાણી

  • 66
    Shares

નિઝર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ૯ મી અોગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, આદિવાસી સમાજ ગુજરાતની વિરાસત છે. આ સમાજની વૈવિધ્યસભર સંસ્કૃતિના સંવર્ધન અને જતન માટે રાજય સરકાર સંકલ્પબધ્ધ છે.

મુખ્યમંત્રીના હસ્તે રૂ .૪૬ લાખના વિવિધ લાભોનું વિતરણ સાથે રમતગમત, શિક્ષણ, વિદ્યાર્થીઓ, પશુપાલક સહિત વિવિધ પ્રતિભાશાળીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રૂપાણીએ વિશ્વાસ વ્યકત કર્યો કે, આદિવાસી સંસ્કૃતિની વિરાસતના જતન માટે રાજપીપળા ખાતે રૂ.૧૦૦ કરોડના ખર્ચે અલગ મ્યુઝિયમ બનાવવાના નિર્ણય સાથે ૪૦ એકર વિસ્તારમાં બિરસા મૂંડા આદિવાસી યુનિવસિર્ટીના નિર્માણ સાથે આદિવાસી સંસ્કૃતિનું જતન થશે. મુખ્યમંત્રીએ આદિવાસી સમાજના મહિસા બિરસા મુંડાને આદરાંજલિ આપી હતી.

આદિવાસીઓના આઝાદીના ભવ્ય ઇતિહાસને વાગોળતા તેમણે જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરની રક્ષા માટે વેગડા ભીલની વીરતા, મહિસાગરના માનગઢમાં ગુરૂ ગોવિંદના નેતૃત્વમાં ૧૬૦૦ આદિવાસીઓની શહીદી, વિજયનગરના શહીદો, તાત્યાભીલ, રૂપા નાયક સહિત આદિવાસીવીરોની બલિદાન એળે જવા દેશે નહીં. ડાંગના રાજાઓ અંગ્રેજો સામેલ લડયા હતા. ઇતિહાસના પાનામાં અનેક આદિવાસી ક્રાંતિવીરોએ કૂરબાની આપી છે. ૧૯૬ જંગલના ગામોને રેવન્યુ ગામો જાહેર કર્યા છે. ૨૦૦૨માં સાત એકલવ્ય મોડેલ સ્કુલ હતી, જે આજે ૯૧ છે. ૨૦૦૧ના વર્ષમાં આદિવાસી ક્ષેત્રમાં ૪૭ ટકા શિક્ષણ હતું, જે વધીને ૨૦૧૧માં ૬૨ ટકા થયું છે.

આ સરકાર ગરીબો, પીડિતો, આદિવાસીઓના હિતની સંવેદનશીલ સરકાર છે. આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે, દેવમોગરા પરિસરનો રૂ.૧પ કરોડના ખર્ચે વિકાસ આ સરકારે કર્યો છે. સાંસદ પરભુભાઇ વસાવાએ વિશ્વ આદિવાસી દિવસ અવસરે શુભકામના પાઠવી હતી. આ અવસરે માજી સાંસદ બાલકૃષ્ણ શુકલા, માજી મંત્રી કાંતિભાઇ ગામીત, માજી ધારાસભ્ય પરેશભાઇ વસાવા, માજી સંસદીય સચિવ શુભાષ પાડવી, સુમુલ ડેરીના વાઇસ ચેરેમેન રિતેશ વસાવા, સેનેટ મેમ્બર જયરામભાઇ ગામીત, અધિકારીઓ સહિત આદિવાસી આગેવાનો, વિશાળ સંખ્યામાં આદિવાસી સમુદાય અને પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

પેસા એકટમાં ત્રણ વર્ષની સજાની જાગવાઈ કરી છેઃ વસાવા

પેસા એકટનો ઉલ્લેખ કરીને આદિજાતિ મંત્રી વસાવાએ જણાવ્યું હતું કે, ગૌણ વન પેદાશના રૂ.૪૦ કરોડ આદિવાસીઓને આપશે. વન અધિકાર હેઠળ ૯૦ હજાર થી વધુ આદિવાસીઓને ૧૩ લાખ એકર જમીન આપી છે. આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો મેળવનારા સામે કડકમાં કડક કાયદો દેશભરમાં પ્રથમ ગુજરાતે બનાવ્યો છે. જેમાં ત્રણ વર્ષની સજાની જોગવાઇ છે. આદિવાસીઓના બંધારણીય અધિકારોનું રક્ષણ આ રાજય સરકાર કરી રહી છે.

આદિવાસી પરંપરાગત નૃત્યોના સથવારે મુખ્યમંત્રીનું ખુલ્લી જીપ સાથે અભિવાદન

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું વિશ્વ આદિવાસી દિવસ ઊજવણી અવસરે આદિવાસી પરંપરાગત નૃત્યો અને સંગીતના તાલે ખુલ્લી જીપ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ઼. ચૌધરી, કુંકણા, ગામીત, ડાંગી, રાઠવા સમાજના પરંપરાગત નૃત્યો અને છત્તીસગઢ આદિવાસી સમાજના નૃત્યના તાલે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આદિવાસી સંસ્કૃતિને ઊજાગર કરતી આદિવાસી રેલીએ નગરમાં આકર્ષણ જમાવ્યું

વિશ્વ આદિવાસી દિવસ ઊજવણી અવસરે નિઝર નગરમાં આદિવાસી સંસ્કૃતિને ઊજાગર કરતી આદિવાસીઓની નૃત્યના તાલે ભવ્ય રેલી નીકળી હતી. આ રેલીએ લોકોનું ભવ્ય આકર્ષણ જમાવ્યું હતું. આદિવાસી પોષાકમાં સજજ કલાકારો, આરાધ્ય દેવ ગાંડા ઠાકુર અને વિન્યા દેવના વેશમાં સજ્જ ઘોડેસવાર તથા આદિવાસી સમાજ જેને દેવ તરીકે પુજે છે એ કણી (અનાજ ભરેલી ટોપલી) કે જેને સ્થાનિક બોલીમાં હિજારી કહે છે જેને કૂળદેવીના પૂજન વખતે લઇ જવામાં આવે છે, જેને માથે મૂકી આદિવાસી બહેનો પણ રેલીમાં જોડાઇ હતી.

વિશ્વ આદિવાસી દિવસે વિવિધ સમાજો દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન

વિશ્વ આદિવાસી દિવસ ઊજવણી અવસરે મુખ્યમંત્રીની વિવિધ આદિવાસી સમાજો દ્વારા પરંપરાગત વેશભુષામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચૌધરી સમાજ દ્વારા સાફો પહેરવેશ તથા તારપુ, ગામીત સમાજ દ્વારા પરંપરાગત કોટી અને ટોપલી, વસાવા સમાજ દ્વારા કડુ પહેરાવી, મોરલી અને છીબલી આપી અભિવાદન કર્યું હતું. જયારે કોંકણી સમાજ દ્વારા પાવરી, ઢોડિયા સમાજ દ્વારા તૂર-થાળી, કોટવાળિયા સમાજ દ્વારા વાંસની ટોપલી અને હળપતિ સમાજ દ્વારા મોમેન્ટો આપીને અભિવાદન કર્યું હતું. નિઝર માર્કેટ યાર્ડ સમિતિ, નિઝર તાલુકા પંચાયતના સદસ્યો, નિઝર આદિવાસી સામાજિક વિકાસ અને એકતા સમિતિ દ્વારા પણ અભિવાદન કરવામાં આવ્યું હતું.

 

  • Related Posts