અંડર-19 વર્લ્ડકપ : બાંગ્લાદેશ પહેલીવાર ચેમ્પિયન

અંડર-19 વર્લ્ડકપમાં બાંગ્લાદેશના કેપ્ટન અકબર અલીએ મુશ્કેલ સમયે રમેલી સંયમિત ધૈર્યસભર 43 રનની વોટઆઉટ ઇનિંગના પ્રતાપે બાંગ્લાદેશે ભારતીય ટીમને 3 વિકેટે હરાવીને પહેલીવાર ચેમ્પિયન બની હતી. બાંગ્લાદેશના બોલરોએ કરેલા પ્રભાવક બોલિંગ પ્રદર્શનને કારણે ભારતીય ટીમ 177 રનમાં ઓલઆઉટ થઇ હતી. તે પછી બાંગ્લાદેશની ટીમે પરવેઝ હસન ઇમોન અને કેપ્ટન અકબર અલી વચ્ચે નોંધાયેલી 39 રનની ભાગીદારીને કારણે આ વિજય મેળવ્યો હતો.
ભારતીય ટીમે મુકેલા 178 રનના લક્ષ્યાંક સામે તનઝીદ અહેમદ અને ઇમોને જોરદાર શરૂઆત અપાવી હતી અને 8.5 ઓવરમાં તેમણે બોર્ડ પર 50 રન મુકી દીધા હતા. રવિ બિશ્નોઇએ તેમની ભાગીદારી બ્રેક કરીને તનઝીદને આઉટ કર્યો હતો. તે પછી બિશ્નોની ગુગલીના શિકાર થઇને એક પછી એક કુલ 4 બેટ્સમેન આઉટ થઇ ગયા હતા. આ દરમિયાન ઇમોન રિટાયર્ડ હર્ટ થયો હતો. તે પછી સુશાંત મિશ્રાએ હુસેન અને અવિશેકને આઉટ કર્યા તેની સાથે બાંગ્લાદેશનો સ્કોર 6 વિકેટે 102 રન થયો હતો. જો કે તે પછી ઇમોન પાછો ફર્યો હતો અને તેણે કેપ્ટન અકબર સાથે 41 રનની ભાગીદારી કરી હતી જે બાંગ્લાદેશ માટે મહત્વની સાબિત થઇ હતી. અકબર 47 રન કરી જયસ્વાલના બોલે આઉટ થયો હતો. તે પછી અકબરે ધૈર્યસભર ઇનિંગ રમીને 9 રન કરનારા રકિબુલ સાથે 27 રનની ભાગીદારી કરીને ટીમને જીતાડી હતી. જ્યારે તેઓ વિજયથી 15 રન દૂર હતા ત્યારે વરસાદ પડ્યો હતો અને તે પછી ડકવર્થ લુઇસ નિયમ હેઠળ તેમને 30 બોલમાં 7 રન કરવાના આવ્યા હતા.
આ પહેલા ભારતીય ટીમે બાંગ્લાદેશના બોલરોની ટાઇટ લાઇનલેન્થ સાથેની બોલિંગ સામે ધીમી શરૂઆત કરી હતી. 7મી ઓવરના ચોથા બોલે દિવ્યાંશ સક્સેના આઉટ થયો ત્યારે સ્કોર માત્ર 9 રન હતો. તે પછી યશસ્વી અને તિલક વર્માએ મળીને 94 રનની ભાગીદારી કરી હતી. તિલક વર્મા 38 રન કરીને આઉટ થયો તે પછી પ્રિયમ ગર્ગ આઉટ થયો હતો. તેના પછી જયસ્વાલ 88 રન કરીને આઉટ થયો તે પછી ભારતીય ટીમે બાકીની 6 વિકેટ 21 રનમાં ગુમાવી દીધી હતી. બાંગ્લાદેશ વતી અવિષેક દાસે 3 જ્યારે શોરીફુલ ઇસ્લામ અને તંઝીમ હસન શાકિબે 2-2 અને રકિબુલે 1 વિકેટ લીધી હતી.

Related Posts