ધુલિયાથી સુરત આવતી લક્ઝરી બસને અકસ્માત નડ્યો, સુરતના 16 ઘવાયા, ક્લીનરનું મોત

મહારાષ્ટ્રના ધુલિયાથી સુરત આવી રહેલી લક્ઝરી બસને મધરાતે 2.00 કલાકે અકસ્માત નડ્યો હતો. જેમાં બસમાં સવાર સુરતનાં 16 લોકોને ઈજા પહોંચી હતી. બસમાં અન્ય મુસાફરો પણ ઘવાયા હતાં. જ્યારે બસના ક્લીનરનું મોત નિપજ્યું હતું. લક્ઝરી બસના ચાલકે કાબૂ ગુમાવતા દિવાલ સાથે અથડાઈ હતી. દરમિયાન ક્લીનરે બસમાંથી કૂદકો લગાવતા રોડ પર પટકાવાના કારણે મોત મોત નિપજ્યું હતું.

ધુલિયાથી સુરત આવતી જીજે-14 ની લક્ઝરી બસને નવાપુરના ચરણમાળ ઘાટ પર અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર લોકોનાં જણાવ્યા પ્રમાણે ડ્રાઇવર દારૂના નશામાં ફિલ્મી ગીતો સાંભળી બસ પુરપાટ ઝડપે ચલાવી રહ્યો હતો. મુસાફરોએ તેને બસ ધીમે ચલાવવા કહ્યું હતું. દરમિયાન નવાપુરના પીપલનેર નજીકની ચરણમાળ ઘાટ પર અકસ્માત થયો હતો. બસ એક દિવાલ સાથે ઘડાકાભેર અથડાઈ ગઈ હતી. ક્લીનર રોડ પર કૂદી પડતા તેનું મોત થયું હતું. જ્યારે ડ્રાયવર સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો.

રોડ પર જતા વાહનચાલકોની મદદથી તમામ ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડાયા હતાં. આ ઘટના બાદ બસનો ડ્રાઈવર ભાગી ગયો હતો. આ દુર્ઘટનામાં સુરતના મુસાફરોને પણ ઇજા પહોંચી હતી. સુરતના ઉન પાટીયા વિસ્તારમાં રહેતા 16 સભ્યો ધુલીયા ખાતે એક લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્ન પ્રસંગ પતાવી તેઓ સુરત પરત ફરી રહ્યાં હતા. દરમિયાન અકસ્માત નડ્યો હતો. હાલ સિવિલ હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી હોવાનું જણાવાયુ છે.

Related Posts