સાપુતારા-વઘઇ ધોરી માર્ગ પર ટેમ્પો, ટ્રક અને કન્ટેનર પલટી ગયાં

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં ત્રણ સ્થળોએ અકસ્માતમાં એક સ્થળે આઈસર ટેમ્પો તેમજ અન્ય સ્થળોએ એક ટ્રક અને કન્ટેનર પલ્ટી જતા ગંભીર અકસ્માત સર્જાયા હતા.

ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ મંગળવારે ચેન્નાઈથી બાળકોનાં પેમ્પર્સની સાધનસામગ્રી ભરી અમદાવાદ જતું કન્ટેનર નં. એમ.એચ 04.એચ.ડી.4060 સાપુતારા-વઘઇના ધોરીમાર્ગનાં ચીખલી ગામ નજીકનાં યુટર્ન વળાંકમાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા કન્ટેનર માર્ગની સાઈડમાં પલ્ટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતનાં બનાવમાં ચાલકને ઇજાઓ પહોચતા શામગહાન સી.એચ.સીમાં સારવાર અપાઈ હતી. જ્યારે બીજા બનાવમાં ગુજરાતનાં આણંદ તરફથી તમાકુનો જથ્થો ભરી પુણે જતો આઈસર ટેમ્પો સાપુતારાથી વણી મહારાષ્ટ્રને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગનાં સાપુતારાનાં સરહદીય ઠાણાપાડા ગામ પાસે માર્ગમાં પડેલા મસમોટા ખાડાઓમાંથી આઈસર ટેમ્પોને બચાવવા જતા ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાલક-ક્લીનર ટેમ્પાની કેબિનમાં ફસાઈ જતા અન્ય વાહન ચાલકોએ મહામુસીબતે બહાર કાઢી બન્નેનાં જીવ ઉગાર્યા હતા.

જ્યારે ત્રીજા બનાવમાં સાપુતારા માલેગામ ઘાટમાર્ગનાં યુટર્ન વળાંકમાં નાસિકથી અનાજનાં ભૂસાનો જથ્થો ભરી સુરત જતી ટ્રક.ન.એમ. એચ.04.સી. 4375 જેનાં પર પણ ચાલકે કાબુ ગુમાવી દેતા આ ટ્રક પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો, જે બનાવમાં ટ્રકને મોટુ નુકસાન થવાની સાથે ભુસાનો જથ્થો પણ વેરવિખેર થઈ ગયો હતો. જ્યારે ચાલક અને ક્લીનરને નાની મોટી ઇજાઓ પહોચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયો હતો.

Related Posts