તક્ષશિલા આગ કાંડમાં ભાગેડુ સુરત મનપાના ડે. ઇજનેરની આગોતરા જામીન અરજી તેમજ જેલમાં બંધ તક્ષશિલા કોમ્પલેક્ષના બે બિલ્ડરોની જામીન અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ કેસની વિગત મુજબ સરથાણામાં તક્ષશિલા કોમ્પલેક્ષમાં આગ લાગવાની ઘટનામાં 22 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. પોલીસે કુલ્લે 11 આરોપીઓની ધરપકડ કરી હતી. અને તમામને જેલમાં મોકલી આપ્યા હતા. તમામએ જામીન મુક્ત થવા માટે કરેલી અરજી કોર્ટે રદ્દ કરી હતી. બીજી તરફ પોલીસે 11 ધરપકડ કરાયેલા આરોપીઓ તેમજ ત્રણ ભાગેડુ આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ પૈકી ભાગેડુ એવા સુરત મનપાના ડે. ઇજનેર હિમાશું ગજ્જરએ પોલીસ પકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી છે. જ્યારે જેલમાં બંધ તક્ષશિલા કોમ્પલેક્ષના બિલ્ડર સવજી પાઘડાળ અને હરસુલ વેકરીયાએ જામીન મુક્ત થવા માટે અરજી કરી છે. આ તમામની જામીન અરજી ઉપર આવતીકાલે એટલે કે મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.