મુંબઇ-અમદાવાદ ડબલડેકર પર ગોથાણ-કોસાડ વચ્ચે પથ્થરમારો

મુંબઇથી અમદાવાદ જઇ રહેલી એસી ડબલ ડેકર ટ્રેન ગોથાણ-કોસાડ રેલવે સ્ટેશન નજીકથી પસાર થઇ રહી હતી ત્યારે અજાણ્યા તત્વોએ ટ્રેનના સી-5 અને સી-9 કોચ પર પથ્થરમારો કરતા ટ્રેનના કોચને નુકશાન થયું હતું. આ ઘટનાની જાણ કોસંબા આરપીએફને કરાતા તેમણે રેલવે ટ્રેક પર ગોથાણ નજીક અંજની નહેર પાસે લુપ લાઇન પર દારૂ પીને ધમાલ કરી રહેલા તથા પત્થર મારી રહેલા બાબૂ વિજય નાયક, ચિત્રસન ડામો ડાકુઆ, પ્રકાશ લોડબહોરા બાટેરા નામના વિવિંગના 3 કારીગરોની ધરપકડ કરી હતી.

ત્રણેય જણાએ દારૂ પીધા પછી સમય પસાર કરવા માટે રેલવે ટ્રેક પર આવ્યા હતા અને જયાં દારૂના નશામાં ડબલ ડેકર પર પત્થરમારો કર્યો હતો. ત્રણેય મૂળ ઓરિસ્સાના વતની કારીગરો છે. આ ઘટનાને પગલે ટ્રેનને કોસાડ રેલવે સ્ટેશને અટકાવી તપાસ કરવામાં આવી હતી. એસઆઇપીએફ આશિષ તિવારી ઘટનાની તપાસ કરી રહ્યા છે.

Related Posts