ધોધા-દહેજ રો-રો ફેરી સર્વિસ પુન: શરૂ કરવા કેન્દ્ર સરકાર સાથે બેઠક

કેન્દ્ર સરકારની સાગરમાલા યોજના અને રાજય સરકારના ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ફંડિંગ થી ચાલુ કરવામાં આવેલી ‘ધોધા-દહેજ રો-રો ફેરી સર્વિસ’ ફરીથી ચાલુ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
આ ઘોઘા રો રો ફેરી સેવા સ્થાનિક લોકોમાં ખુબ જ લોકપ્રિય બની ગઈ હતી. જો કે ગતવર્ષે થયેલા અતિભારે વરસાદને કારણે દહેજ તરફની ચેનલમાં ખૂબજ મોટી માત્રામાં સિલ્ટેશન થઇ ગયું છે. જેથી થોડા સમયથી આ ફેરી સર્વિસ બંધ પડેલી છે. આ ફેરી સર્વિસને પુનઃ ચાલુ કરવા રાજય સરકાર દ્વારા કેન્દ્ર સરકારના શીપિંગ મંત્રાલય પાસે ટેકનિકલ સહાયતા માટે માંગ કરવામાં આવેલ છે.
રાજય સરકારની રજૂઆત બાદ કેન્દ્ર સરકારના શીપિંગ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્ર સરકારના શીપિંગ મંત્રાલયના સચિવ, અધિક સચિવ, સંયુક્ત સચિવ, સી.ઈ.ઓ.- ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ફેરી પાર્ટનર પણ હાજર રહયા હતા. આ બેઠકમાં ધોધા-દહેજ રો-રો ફેરી સર્વિસને પુનઃ ચાલુ કરવા અંગે વિવિધ વિકલ્પો પર ચર્ચા કરવામાં આવેલ હતી.
આ ફેરી પુનઃ ચાલુ કરવા કેન્દ્ર સરકારના અધિક સચિવના અધ્યક્ષ પદે એક ‘એમ્પાવર્ડ ગ્રુપ’ની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ એમ્પાવર્ડ ગ્રુપમાં ભારત સરકારના અધિકારીઓ ઉપરાંત રાજય સરકારના અધિકારીઓ તથા વિવિધ ટેકનિકલ એક્ષપર્ટ રહેશે. આ એમ્પાવર્ડ ગૃપ આગામી થોડા દિવસોમાં ટેકનિકલ ચર્ચા-વિચારણા કરીને રો-રો ફેરી સર્વિસને પુનઃ ચાલુ કરવા ટેકનિકલ સોલ્યુશન સાથે ભલામણ કરશે.આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ ટૂંક સમયમાં ફેરી સેવા નિયમિત રીતે ચાલતી રહે તેવા વિકલ્પ સાથે રો-રો ફેરી સર્વિસ પુનઃ સ્થાપિત કરવામાં આવશે.

Related Posts