બિન અનામત – અનામત વર્ગ મુદ્દે સરકાર પર ધર્મસંકટ

લોકરક્ષક દળની ભરતીના મામલે રાજ્ય સરકારના પરિપત્ર રદ કરવાની માગ સાથે અનામત વર્ગની બહેનો છેલ્લા 67 દિવસથી આંદોલન કરી રહી છે. આ આંદોલનને અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓનો ટેકો છે તો બીજી તરફ બિનઅનામત વર્ગની માંગણી એવી છે કે સરકારનો આ પરિપત્ર રદ થવો જોઇએ નહીં. બિન અનામત વર્ગના આંદોલનને દિનેશ બાંભણિયા અને અલ્પેશ કથિરિયા જેવા પાસના નેતાઓનો ટેકો છે. આ મુદ્દે બિન અનામત વર્ગ દ્વારા 15મી ફેબ્રુઆરીએ મહેસાણા બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. આ મામલો હવે ગુજરાત સરકારના ગળાં ફસાયેલા હાડકા જેવો બની ગયો છે
દરમિયાન ગુરૂવારે લોક રક્ષકની ભરતીના મામલે રાજય સરકારના એક પરિપત્રના લીધે ઉભા થયેલા વિવાદના કારણે ચાલી રહેલા આંદોલનને સમેટવાની જવાબદારી નીતિન પટેલને સોપવામાં આવી છે. આ મુદ્દે આજે બપોરે ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વની બેઠક યોજી હતી. જેમાં ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને ગૃહ વિભાગના સિનિયર અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
રાજય સરકાર દ્વારા અનામત વર્ગની મહિલાઓની માંગણીઓના પગલે પરિપત્રમાં સુધારો કરવાની જાહેરાત કરી હતી. જો કે ગઈ રાત્રે બિન અનામત વર્ગની મહિલાઓ દ્વારા ગઈકાલે સાંજથી આંદોલન ઉગ્ર બનાવવામાં આવ્યું છે. આજે બિન અનમત વર્ગની માંગણી એવી હતી કે સરકારનો પરિપત્ર રદ કરવો જોઈએ નહીં. આજે સાંજે શરૂ થયેલી બેઠકમાં પાટીદાર સમાજના અગ્રણી દિનેશ બાંભણીયા ,રાજ શેખાવત સહિત સમાજના અગ્રણી હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં બિન અનામત વર્ગના ઉમેદવારોને કોઈ અન્યાય કરવામાં નહીં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
રાજય સરકાર દ્વારા જ્યાં સુધી પરિપત્રમાં સુધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલનકારીઓ આંદોલન સમેટવાના મૂડમાં નથી. જયારે બિન અનામત વર્ગના ઉમેદાવરોની માંગ એવી છે કે સરકારનો પરિપત્ર રદ કરવો જોઈએ નહીં. 66 દિવસના ઉપવાસ બાદ રાજય સરકાર ગત તા.1-8-2018ના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્રને સુધારવા તૈયાર થઈ ગઈ હતી. જો કે આંદોલનકારી ઉમેદવારોએ એવી માંગ કરી હતી કે સરકારે પોતાના સુધારો પહેલા જાહેર કરવો જોઈએ, તે પછી જ તેઓ આંદોલન પાછુ ખેંચશે. રૂપાણી સરકારનો એવો મત છે કે હવે જયારે કેબીનેટમાં ચર્ચા કર્યા પછી સરકારે સુધારો કરવાને નિર્ણય લીધો છે ત્યારે આંદોલન પાછું ખેંચી લેવુ જોઈએ.
ભાજપના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે પત્ર લખીને એવી રજૂઆત કરી હતી કે એસસી , એસટી, ઓબીસી વર્ગના ઉમેદવારો સહિત કોઈ પણ ઉમેદવારોને અન્યાય નહીં થાય તે બાબત સરકારે ધ્યાનમાં લેવી જોઈએ.

Related Posts