એનઆરઆઇ પાસે તોડ કરવાના પ્રકરણની તપાસ ડીવાયએસપીને સોંપાઇ
એનઆરઆઇ પાસે તોડ કરવાના પ્રકરણની તપાસ ડીવાયએસપીને સોંપાઇ
Posted by Gujaratmitra on Friday, September 14, 2018
બારડોલી તાલુકાના એક ગામમાં પીએસઆઇ ચૌધરીએ ભારતીય મૂળના અમેરિકન નાગરિકને બંધક બનાવવાના પ્રકરણમાં મીડિયા અહેવાલ બાદ સમગ્ર મામલાની તપાસ બારડોલી ડીવાયએસપીને સોંપી હોવાનું જાણવા મળે છે. જેને આધારે ડીવાયએસપીએ બારડોલી પીઆઇને ખુલાસો પૂછતાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.
પોલીસ દ્વારા અમેરિકન નાગરિકને બંધક બનાવવાના ચકચારી પ્રકરણને કારણે સમગ્ર સુરત જિલ્લા તેમજ વિદેશમાં રહેતા ભારતીયોમાં પણ પોલીસની છબી ખરાબ થઈ છે. ભોગ બનનારે પોલીસ દ્વારા થયેલા દુર્વ્યવહાર અંગે રેન્જ આઈજીથી લઈ પીએમઓ અને વિદેશ મંત્રીને ફરિયાદ કરી છે.
જોકે તેને હજી સુધી ન્યાય નહીં મળતા તેઓ આ લડત આગળ પણ ચાલુ રાખનાર હોવાનું જણાવી રહ્યા છે. સમગ્ર મામલે ગુજરાત પોલીસની છબી ખરડાઇ હોવા છતાં સ્થાનિક પોલીસ અધિકારીઓ તેમજ એક હોટલમાં સમગ્ર રેઇડનો પ્લાન ઘડનાર હોટેલ માલિક તેમજ અન્ય કેટલાક પિઠ્ઠુઓ પીએસઆઇ ચૌધરીને બચાવવા માટે ધમપછાડા કરી રહ્યા છે.
આ દરમ્યાન મીડિયામાં −કાશિત અહેવાલોને આધારે મામલાની તપાસ બારડોલી ડીવાયએસપી જગદીશ વસાવાને સોંપવામાં આવી છે. આ તપાસ અંતર્ગત તેમણે બારડોલી પીઆઇ એન.એસ.ચૌહાણનો પણ ખુલાસો પૂછયો છે. બીજી તરફ ઉપર લેવલ સુધી ભોગ બનનારે ફરિયાદ કરતાં પોલીસ અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
જેને કારણે તપાસ યોગ્ય દિશામાં થાય અને ભારતીય અમેરિકન નાગરિકને ન્યાય મળે તેવી આશા લોકો પણ રાખીને બેઠા છે. જો ન્યાય ન મળે તો આગામી દિવસોમાં બારડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ લોકો સાથે દુર્વ્યવહાર કરતાં ખચકાશે નહીં તેવી પણ શકયતા હોય, લોકો ભારતીય મૂળના અમેરિકન દંપતીને સહકાર આપી રહ્યા છે.
બોક્સ:
પીએસઆઇ ચૌધરીએ વારંવાર ગુજરાત પોલીસની છબી ખરડી છે
પીએસઆઇ ચૌધરીનો ઇતિહાસ પહેલેથી જ વિવાદાસ્પદ રહ્યો છે. ગઇ ૨ સપ્ટેમ્બર એટલે કે જન્માષ્ટમીના દિવસે પીએસઆઇ ચૌધરીએ તેની ટીમ સાથે બારડોલીની નજીકમાં જ આવેલા એક ગામમાં રેઇડ કરી હતી. ત્યાંથી જુગાર રમતા માલદાર નબીરાઓ પકડાતાં પોલીસે તાત્કાલિક નીલ રિપોર્ટ કરી ભીનું સંકેલ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે
. આ નીલ રિપોર્ટની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો પીએસઆઇ ચૌધરીના મોટા કારસ્તાનનો પર્દાફાશ થાય તેમ છે. આ ઉપરાંત થોડા દિવસો અગાઉ સેલવાસ દારૂની તપાસ માટે ગયેલા પીએસઆઇ ચૌધરીએ ત્યાંના એક બારમાં જઈ કર્મચારી તથા સ્ટાફ સાથે તોછડું વર્તન કર્યુ હતું અને ત્યાં યુનિફોર્મ વગર પહોંચી ગયા હતા.
ભારે વિવાદ થતાં સેલવાસ પોલીસ પણ પહોંચી હતી. જોકે સ્થાનિક પોલીસ વડાએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસની છબી ખરડાઇ હતી. આમ વારે ઘડીએ ગુજરાત પોલીસની છબીને ડાઘ લગાડતા આ પીએસઆઇ સામે પગલાં લેવામાં આવે તેવી માગ થઈ રહી છે.
વિડીયો: સેલવાસમાં ધમાલ મચાવનાર પીએસઆઇ ચૌધરી