કાયદાકીય પ્રવાસીઓ માટે અમેરિકાના નાગરિક બનવાનું વધુ અઘરું બનાવતા ટ્રમ્પ વહીવટીતંત્રએ આજે કહ્યું હતું કે જે લોકો ખાદ્ય સહાય, ઘર માટે સહાય જેવા જાહેર લાભો લેવા માગે છે તેમને ગ્રીનકાર્ડ આપવાથી ઈનકાર કરી શકાય છે. ગ્રીનકાર્ડ ધારક અમેરિકાના નાગરિક બનવાથી એક પગલું દૂર હોય છે. ગૃહ ખાતાએ નવો નિયમ જારી કર્યો હતો જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જે લોકો અધિકારીને વિશ્વાસ બેસાડવામાં નિષ્ફળ જશે કે તેઓ અમેરિકી સરકારની પોતાના નાગરિકો માટેની યોજનાનો લાભ ક્યારેય નહીં ઉઠાવે તેમને ગ્રીનકાર્ડ આપવાથી ઈનકાર કરી શકાય છે.
ટ્રમ્પ સરકારના આ નિયમથી હજારો લોકોની ગ્રીનકાર્ડ અથવા વિઝા માટેની અરજી નામંજૂર કરાશે કારણ કે તેઓ ગરીબ છે. આ નિયમ 15 ઓક્ટોબરથી લાગુ થશે જેમાં આવકના ધોરણો મેળવવામાં નિષ્ફળ જવા પર ગ્રીનકાર્ડ અને વિઝા માટેની અરજી નામંજૂર કરાશે. માનવામાં આવે છે કે આ નિયમથી અડધા જેટલા અરજીકર્તાઓ ગ્રીનકાર્ડ મેળવવામાં અયોગ્ય સાબિત થશે. વિઝા મેળવવા માટેય ઊંચી આવક બતાવવી પડશે. આ નિયમનો હેતુ એ છે કે અમેરિકા આવવા માગતા લોકો અમેરિકા પર બોજ ન બને.
સામાન્ય રીતે અમેરિકામાં પ્રવેશ કરતા વિદેશીઓને સાબિત કરવાનું હોય છે કે જાહેર લાભો લેવાથી બચવા માટે તેમની પાસે પર્યાપ્ત આવક છે. નવો નિયમ આવ્યા બાદ કદાચ તેમને ઉચ્ચ આવક દેખાડવાની જરૂર પડશે. વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં કહ્યું હતું કે આ પગલાથી ખાતરી થશે કે જે વિદેશીઓ અમેરિકામાં પ્રવેશ કરવા માગે છે અથવા કાયમી વસવાટ કરવા માગે છે તે પોતાનો ખર્ચ જાતે ઉઠાવી શકે છે અને જાહેર લાભો પર નિર્ભર નહીં રહેશે.