નવરાત્રિ: ખેલૈયાઓનાં ઉત્સાહ પર વરસાદી ઝાપટા, આયોજકો ચિંતામાં
-થોડી થોડી વારે પડી રહેલા મોટા ઝાપટાઓથી ગ્રાઉન્ડમાં પાણી ભરાયા -કેટલાક આયોજકોએ પહેલાં એક કે બે દિવસનાં આયોજન રદ્દ કર્યાં
સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ છે. હજી પણ આવનારા કેટલાક દિવસોમાં રાજ્યનાં મધ્ય ગુજરા, ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. એવામાં નવરાત્રિનાં પહેલાં જ દિવસો ખેલાડીઓનાં ઉત્સાહ પર વરસાદી ઝાપટા પડી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એટલુંજ નહીં આયોજકો પણ લાખો રુપિયાનાં આયોજન વચ્ચે ચિંતામાં મુકાયા છે. કેટલીગ જગ્યાએ તો નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદી માહોલ અને ગરબા ગ્રાઉન્ડોમાં પાણી ભરાવાને કારણે નવરાત્રિનાં દિવસો ઓછા કરી દેવાયા છે.
છેલ્લા બે દિવસથી રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં ખેલૈયાઓ નિરાશ થયા છે. વડોદરા, અમદાવાદમાં તો ખુલ્લા પ્લોટમાં થયેલા આયોજન એક કે બે દિવસ માટે રદ્ પણ કરી દેવાયા છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. તેની વચ્ચે વડોદરામાં નવરાત્રિનાં પ્રથમ દિવસે જ સવારથી વરસાદી ઝાપટા શરૂ થતાં ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મૂકાઇ ગયા છે. પહેલેથી ગરબા આયોજકો ગરબા થશે કે નહીં તે બાબતે અવઢવમાં હતા. ત્યારે વડોદરામાં સવારથી જ થોડી થોડીવારમાં વરસાદી ઝાપટા પડવાથી હવે ગરબાના આયોજનમાં મુશ્કેલી ઉભી થવાની પૂરી શક્યતાઓ દેખાઇ રહી છે. વિવિધ ગરબા ગ્રાઉન્ડોમાં પાણી ભરાઇ ગયા છે. વડોદરાના ગરબા આયોજકો ગ્રાઉન્ડને સુરક્ષિત રાખીને ગરબાનું આયોજન થાય તે માટે તમામ પ્રયત્નો કરી રહ્યાં છે. અહીં કેટલાક આયોજકોનું કહેવું છે કે પ્રથમ નોરતે વરસાદ પડશે તો પણ મેદાનને થોડા સમયમાં ખેલૈયાઓ માટે તૈયાર કરી દેવાશે. જ્યારે કેટલાક આયોજકોનું માનવું છે કે ગરબાના સમયે વરસાદ વરસશે તો ગરબા નહીં કરી શકીએ.