રાજ્ય વ્યાપી વિરોધ બાદ LRD ભરતીમાં અનામતને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય

એલઆરડી ભરતીમાં અનામત મામલે રાજ્ય સરકારે મંગળવારે મોટો નિર્ણય કર્યો હતો. એલઆરડીમાં સામાન્ય મહિલાઓના અનામતને લઈને 1-8-18નાં પરિપત્રમાં સુધારો કરાશે. કોંગ્રેસના ધારાસભ્યો આંદોલન શરૂ કરે તે પહેલાં જ રાજ્ય સરકારે આ મોટો નિર્ણય લીધો હતો. જણાવી દઈએ કે આ મામલે છ થી વધુ સાંસદોએ મુખ્યમંત્રીને પત્રો લખ્યા હતાં.

એલઆરડી ભરતીમાં મહિલા અનામત મામલે સરકાર 1-8-18નાં પરિપત્રમાં સુધારો કરશે. આ જાહેરાત રાજ્ય સરકારે ત્યારે કરી છે જ્યારે આ મામલે કોંગ્રેસનાં ધારાસભ્યો આંદોલન છેડવાનાં હતાં. મંત્રી દિલિપ ઠાકોરે કહ્યું કે પરિપત્રમાં સુધારો કરવા મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે નિર્ણય લીધો છે. ઓબીસી, એસસી, એસટીનાં નેતાઓ સાથે બેઠક કર્યા બાદ મુખ્યમંત્રીએ લીધો નિર્ણય છે. સાથેજ તેમણે જણાવ્યું હતું કે ધરણા પર બેસેલી ઓબીસી સમાજની મહિલાઓને મળવા તેમજ પારણા કરાવવા રાજ્ય સરકારનાં મંત્રીઓ ટૂંક સમયમાં પહોંચશે.

આ તરફ સરકારના નિર્ણય બાબતે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે એલઆરડી ભરતીમાં હવે ગેરસમજ દૂર થશે. જ્યારે નૌશાદ સોલંકીએ જણાવ્યું કે તે સરકારનાં નિર્ણયને આવકારે છે પરંતુ પરિપત્રમાં સુધારો કરવાની વહેલા જરૂર હતી. જ્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી કે આ નિર્ણય સરકારના પગ નીચે રેલો આવતા કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ પરિપત્ર બંધારણની જોગવાઈના વિરોધનો છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જનતાની સામે આવી સ્પષ્ટતા કરે.

Related Posts