વૈશ્વિક મંદીના ઓછાયા વચ્ચે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ પર હોંગકોંગના ઇસ્યુને લઇને પ્રશ્નાર્થ ઉભો થયો છે. આગામી ૧૫મી ડિસેમ્બર સુધીનું અલ્ટીમેટમ છે અને આ સમય દરમ્યાન ટ્રેડ ડીલ થઇ જવું જોઇએ, પરંતુ હાલની સ્થિતિએ આ સંભવ દેખાતું નથી. બીજી તરફ, ગ્લોબલ રેટીંગ એજન્સીઓ પણ હજુય વૈશ્વિક મંદી વધુ ઘેરી બનવાની આશંકાસેવી રહી છે. આ દરમ્યાન ગત શુક્રવારે ભારતના જીડીપી દર જાહેર થયા છે અને તે છ વર્ષના તળિયે પહોંચી ચૂકયા છે. જે ગત કવાર્ટરની સરખામણીએ વધુ અડધા ટકાના ઘટાડાની સાથે ૫ ટકાથી ઘટીને ૪.૫ ટકા પર પહોંચી જતાં ભારતીય અર્થવ્યવસ્થા ઉપર પણ ચિંતાના વાદળો ઘેરાયેલા છે.
જોકે, સારા સંકેતોના અભાવ વચ્ચે પણ ભારતીય શેરબજારે નવા વિક્રમો સર્જયા છે. સેન્સેક્સ, નિફટી અને બેન્ક નિફટીએ નવી ઐતિહાસિક સપાટી સર કરી દીધી છે, જે પરિસ્થિતિની વિરૂદ્ધ ચાલ જોવા મળી રહી છે, પરંતુ જે રીતે શેરબજારમાં જોશ જોવાઇ રહયો છે, તે જોતાં આવનારા સમયમાં મોટા કડાકાની સંભાવના ઓછી છે, પણ કોન્સોલીડેશન ફેસ ચાલી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઐતિહાસિક સપાટી પર પહોંચેલા તમામ ઇન્ડેક્સની પાછળ ઇન્ડેક્સ બેઝડ શેરોનો ઉછાળો કારણભૂત જોવા મળી રહયો છે. જેથી હજુય બોર્ડબેઝડ શેરોમાં તેજીનો અભાવ જોવાઇ રહયો છે. નવેમ્બર સીરિઝમાં જે રીતે તેજી સાથે પુરી થઇ છે, તે ડિસેમ્બર સીરિઝમાં પણ ચાલુ રહેશે તેવું માનવામાં આવી રહયું છે. પરંતુ ઇન્ડેક્સ બેઝડ શેરોમાં તેજીને બ્રેક વાગી શકે છે. જે અથડાયા કરશે. બ્રોકર્સના જણાવ્યા અનુસાર ડિસેમ્બર સીરિઝમાં તેજી જળવાઇ રહેશે.
હવે વારો મિડકેપ તથા સ્મોલકેપ શેરોનો જોવા મળશે. મિડકેપ અનેસ્મોલકેપ શેરોમાં છેલ્લા કેટલાક સમયથી પસંદગીના શેરોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહયો છે. જે આવનારા સમયમાં હજુય આગળ વધી શકે છે. એવું કહેવાઇ રહયું છે કે, ૨૦૨૦માં મિડકેપ તથા સ્મલોકપ શેરોમાં તેજીનો માહોલ જોવા મળી શકે છે જે ૨૦૨૦ મિડકેપ અને સ્મોલકેપ શેરોનું રહેશે. હાલમાં, ભારતીય શેરબજારમાં ઇન્ડેક્સ નવી ઉંચાઇ હાંસલ કરી છે, પરંતુ રોકાણકારોની વાત કરીએ તો હજુય તેમના પોર્ટફોલિયો નેગેટિવ રહયા છે, જ્યાં સુધી મિડકેપ તથા સ્મોલકેપ શેરોમાં તેજી જોવા નહિં મળે ત્યાં સુધી રોકાણકારોનો પોર્ટફોલિયો પોઝિટિવ થઇ શકે તેમ નથી. જેથી લાંબા સમય સુધી રાહ જોયા બાદ રોકાણકારોએ વધુ છ મહિનાનો સમય રાહ જોવાની જરૂર છે, જેમાં મિડકેપ તથા સ્મોલકેપ શેરોનો વારો જોવા મળી શકે છે.
મહત્વની બાબત એ છે કે, છેલ્લા ત્રણ કવાર્ટરથી વધુ સમયથી મંદીમાં ગરકાવ થઇ ગયેલા ઓટો સેકટર માટે રાહતના સમાચાર જોવા મળ્યા નથી. તહેવારી સીઝનને બાદ કરતાં ઓટો કંપનીઓના વેચાણમાં સુધારો જોવા મળ્યો નથી. જીએસટી દરમાં ઘટાડાની માગ ઘટાડવાની શકયતા નહિંવત જેવી થઇ ચૂકી છે. ત્યારે સરકાર પાસે સ્ક્રેપ પોલિસી ઉપર નજર મંડરાયેલી છે. સરકાર સ્ક્રેપ પોલિસી જાહેર કરશે તેની સાથે ઓટો શેરોમાં આગઝરતી તેજી જોવા મળી શકે છે.જેમાં સૌથી વધુ નરમ રહેલા અશોક લેલેન્ડ, મહિન્દ્રા, તાતા મોટર્સ, આઇશર મોટર્સ જેવી કંપનીઓને સૌથી વધુ લાભ મળી શકે છે. તેની સાથે અન્ય ઓટો કંપનીઓમાં પણ ઉછાળો જોવાઇ શકે છે. સરકારના સુત્રોના જણાવ્યા અનુસાર સ્ક્રેપ પોલિસી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં જાહેર થઇ જવી જોઇએ. જે લાંબા સમયથી વિલંબમાં પડી રહી છે. જોકે, નવેમ્બર મહિનામાં ઓટો કંપનીઓના વાહનો વેચાણના આંકડા જાહેર થનારા છે ત્યારે આ આંકડા પ્રોત્સાહક આવે તેવી સંભાવના ઓછી છે, ત્યારે સરકારની સ્ક્રેપ પોલિસી ઉપર જ નજર મંડરાયેલી છે. ત્યારે નિષ્ણાંતોના મતે સ્ક્ેપ પોલિસી જાહેર થાય તે પૂર્વે અશોક લેલેન્ડ તથા મહિન્દ્રા જેવી ઓટો કંપનીઓના શેરો ખરીદી લેવાથી ફાયદો થઇ શકે છે. આ ઉપરાંત, અદાણી જૂથમાં તેજીનો માહોલ શરૂ થઇ ગયો છે. જેમાં રોકાણની જાહેરાતો કરવામાં આવી છે, જેની પાછળ અદાણી જૂથના શેરોમાં શાનદાર તેજી શરૂ થઇ જવા પામી છે. આ ઉપરાંત, અનેક કંપનીઓ છે કે જેમાં તેજીનો દોર શરૂ થવા થનગની રહયા છે. જો નિફટી ૧૧૮૦૦થી ૧૨૨૦૦ વચ્ચે કોન્સોલીડેશન કરતો રહેશે તો મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં તેજી આવવાની પુરેપુરી સંભાવના જોવા મળશે.