છેલ્લા ઘણા સમય થી ગુજરાત કોંગ્રેસ માં બગાવત ની જ્વાળા ધીમે ધીમે સળગી રહી હતી પણ હાલ માં જે રીતે કુંવરજી બાવળીયા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, અને નીરવ બક્ષી એ પોતાના જ પક્ષ સામે બગાવત ના બ્યુગલ ફૂંક્યા છે એ જોતા તો એવું જ લાગે છે કે “ઘર કો આગ લગા રહે ઘર કે ચિરાગ હૈ”.ભરતસિંહ ગયા પછી એમની ચરણ પાદુકા લઇને આવેલા અમિતચાવડા પાસે આશા હતી કે એ ભરતસિંહ જે ન કરી શક્યા એ કરશે, પણ આશા ઠગારી નીવડતી લાગે છે.એ વાત ચોક્કસ છે કે અમિતચાવડા એ કરી રહ્યા છે જે ભરતસિંહ ન હતા કરી શક્યા, અમિતચાવડા ના આવ્યા પછી પક્ષ માં શિસ્ત નામનો છેદ ઉડી ગયો છે. સંગઠન કાગળ પર ચાલે છે,કોંગ્રેસ પક્ષ માં એકતા માત્ર ટીવી ની ડિબેટ માં દેખાય છે,ભરતસિંહ વખતે આવું તો ન હતું જ. કોઈ પણ માણસ ને કોઈ ની સાથે સરખાવી ન જ શકાય,પણ જયારે તમે કોઈ ના અનુગામી બનો છો ત્યારે તમારી સરખામણી તમારા પૂરોગામી સાથે થવી સ્વભાવિક છે. અમિતચાવડા ભરતસિંહ ની સરખામણી માં ક્યાંય સાથે ઉભેલા દેખાતા નથી, નહિ તો જે રીતે પક્ષ ની જિલ્લા શહેર પ્રમુખો ની નિમણુંક બાદ કહેવાતા કોંગ્રેસીઓ એ કોંગ્રેસ ની આબરુ ના લીરે લિરા ઉડાડ્યા એ ના ઊડત, જે રીતે અમિતચાવડા એ આ કોંગ્રેસીઓ ને સસ્પેન્ડ કરવામાં પળવાર નો વિલંબ ન કર્યો એમ આખા ગુજરાત માં જે લોકો એ શિસ્ત ભંગ કર્યું છે એમની સામે પગલાં લેવામાં ફાઈલો પર ધૂળ ના જામી જાત. આ તો શું છે પોતાના પર આવ્યું તો પગલાં લેવાઈ ગયા, બાકી ના શહેર જિલ્લા માં પ્રમુખ અને ત્યાં ના સ્થાનિક નેતાઓ પર શું વીતતી હશે કે શું થયું હશે એનું તો અમિતભાઈ ને જ્ઞાન ક્યાં થી હોય ? ભરતસિંહ વખતે આ સ્થિતિ નહતી,
ખેર હાલ માં કોંગ્રેસ માં જે આગ લાગી છે એની વાત કરીએ તો, જે રીતે ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને કુંવરજી બાવળીયા પક્ષ સામે પડ્યા છે,જે રીતે મહેસાણા ના જુના કોંગ્રેસી આગેવાન અને ખજાનચી જીવાભાઈ પટેલે કોંગ્રેસ માંથી રાજીનામુ આપી દીધું, જે રીતે જુદા જુદા શહેર અને જિલ્લા ઓ માં કોંગ્રેસીઓ કોંગ્રેસ છોડી ને જઈ રહ્યા છે,એ કાંઈ આંતરિક વિખવાદ નથી પણ લોકસભા ની લડાઈ છે, કોંગ્રેસ ના એક નેતા ના જ કહ્યા મુજબ રાજકોટ થી મુખ્યમંત્રી સામે લડી ને હારેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટ લોકસભા ની બેઠક પર થી ઉમેદવાર બનવા માંગતા હતા,તો બીજી બાજુ કુંવરજી બાવળીયા ને પોતે જ લડવું છે, દેખતી રીતે બંને પોતાની રીતે પ્રેશર ઉભું કરે એટલે નામ અને કામ બીજા નું લઇ ને બને નેતાઓ એ પોતાની લોકસભા ની દાવેદારી મજબૂત બનાવવા પ્રયત્નો કર્યા છે.
આ સિવાય આ વખતે રાહુલ ની ટીમે નક્કી કર્યું છે કે લોકસભા ની બેઠક માં બે વખત ચૂંટણી લડી ચૂકેલા હોય એમને ઉમેદવાર ન બનાવવા હવે જીવાભાઈ પટેલ આજ ક્રાઈટેરિયા માં આવે છે.વળી એ મહેસાણા થી ઉમેદવાર બનવા માંગતા હતા,હાર્દિક પણ સુરત અને મહેસાણા થી લોકસભા ની દાવેદારી કરવા માંગે છે, જો હાર્દિક ની માંગ સ્વીકારાઈ જાય તો એવું બને કે હાર્દિક આ બને બેઠકો પર થી અપક્ષ ઉમેદવારી નોંધાવે અને કોંગ્રેસ હાર્દિક ના સમર્થન માં પોતાનો ઉમેદવાર ન ઉભો રાખે, આ બંને સ્થિતિ માં જીવાભાઈ ની ટિકિટ તો કપાઈ જ જતી હતી, એટલે એમણે પક્ષ પર દબાણ લાવવા માટે પાણી પહેલા પાળ બાંધતા રાજીનામુ આપી દીધું.
દક્ષિણ ગુજરાત ની વાત કરીએ તો કાર્યકારી પ્રમુખ તુષાર ચૌધરી વિષે એવી ચર્ચા ચાલી રહી છે કે એ પાછા પોતાના પિતા ના પગલે ચાલી ને સાબરકાંઠા બેઠક પર થી લોકસભા ની દાવેદારી કરવા માંગે છે, કેમકે બારડોલી બેઠક પર થી એમના સમીકરણો બગડી ગયા છે, એમને છેલ્લી બે ચૂંટણીઓ માં હાર મળી છે, એટલે એ ફરી થી બારડોલી નું જોખમ લેવા નથી માંગતા સાથે સાથે બારડોલી પર થી પોતાનું વર્ચસ્વ ઓછું ન થાય એ માટે પોતાનો ઉમેદવાર પણ ઉતારવા માગે છે,તુષાર ચૌધરી ના આ પ્લાન ની ખબર દિલ્હી ના એક નેતા અને દક્ષિણ ગુજરાત ના કેટલાક કોંગ્રેસી નેતાઓ ને થઇ ગઈ છે એટલે એમણે તુષાર ચૌધરી ને હંફાવવા માટે અત્યાર થી જ તુષાર ચૌધરી નું વર્ચસ્વ પૂરું થઇ જાય એમનો ખેલ પડી જાય એવી રમતો રમવા ની શરૂ કરી દીધી છે, અને આ રમત માં આગળ લખ્યું એમ કોંગ્રેસ ની આબરૂ ના ધજાગરા જ ઉડી રહ્યા છે.
આ નામો સિવાય પણ અનેક એવા નામો છે જે હાલ ધારાસભ્ય છે અને લોકસભા ની ચૂંટણી લડવા માંગે છે,એમાં સાબરકાઠાં ના ખેડબ્રમ્હા થી ધારાસભ્ય અશ્વિન કોટવાલ, વિક્રમ માડમ, આનંદચૌધરી,અલ્પેશ ઠાકોર અને બીજા ઘણા છે, આ સંજોગો માં કોંગ્રેસ માટે સ્થિતિ એટલે અઘરી થઇ પડે કેમકે જો ધારાસભ્ય ઉમેદવાર બને અને જીતી જાય તો એમના સ્થાને ચૂંટણી થાય અને પેટા ચૂંટણી માં જે પક્ષ ની સરકાર હોય એ પક્ષ જે તે બેઠક જીતવા સંપૂર્ણ જોર લગાવે, સરવાળે જે બેઠકો પર કોંગ્રેસ જીતેલી છે એમાંથી કેટલીક બેઠકો ભાજપ પાસે જતી રહે અને વિધાનસભા માં કોંગ્રેસ નબળી પડે,આવા સંજોગો માં રાહુલ ની ટીમ એ દિશા માં વિચારી રહી છે કે કોઈ પણ સીટિંગ ધારાસભ્ય ને લોકસભા માં ન લડાવવો, જેથી એમને નવો ઉમેદવાર મળી રહે અને બેઠક ગુમાવવા ની શક્યતા પણ ઓછી રહે, પણ આ વાત સાંસદ બનાવવા ના સપના સેવી રહેલા ધારાસભ્યો ને કોણ સમજાવે,એમને તો એવું છે કે આપણે ટિકિટ જોઈએ છે, એટલે અત્યાર થી જ કોંગ્રેસ માં પોતાનું વર્ચસ્વ ઉભું કરવા ઝગડા ઉભા કરો તો કોંગ્રેસ પક્ષ ઘૂંટણીએ પડી ને ટિકિટ આપશે,
ટૂંક માં લોકસભા પહેલા દર વખતે જેમ થાય છે એ જ સ્થિતિ પર કોંગ્રેસ આવી ને ઉભી છે, બે બિલાડી ની લડાઈ માં વાંદરો ફાવી જાય એવી વાર્તા કોંગ્રેસ ના આ નેતાઓ એ નાનપણ માં વાંચી નહિ હોય એવું લાગે છે.અને વાંચી હશે તો એમને એવું થતું હશે કે આ બધું જ હવે આઉટડેટેડ છે,આપણે કરીએ એ ખરું, કોંગ્રેસ ની આ સ્થિતિ અમિતચાવડા માટે પડકાર જનક છે,રાહુલ ની ટીમે એમને ભરતસિંહ ના કહેવાથી કે પછી યુવાન હોવાના કારણે પ્રદેશ પ્રમુખ બનાવ્યા હોય, જે કારણ હોય તે,એમની પ્રાથિમક જવાબદારી બને છે કે પક્ષ માં ચાલી રહેલી વાંદરા લડાઈ ને સૌથી પહેલા ડામે, અને કોંગ્રેસ માં જે સુધારા લાવવા ના છે એ તાત્કાલિક ના ધોરણે અમલી બનાવે નહિ તો એ દિવસો દૂર નથી જયારે અમિત ચાવડા ના માથે નિષ્ફ્ળતા નું લેબલ લાગી જશે અને કોંગ્રેસ એવા ખાડા માં જતી રહેશે જ્યાંથી બહાર કાઢવી આવનાર કોઈ પણ પક્ષ પ્રમુખ માટે પડકાર ભરી કામગીરી બની રહેશે.કોંગ્રેસ ની પ્રાથમિક જરૂરિયાત પદ અને ટિકિટ માટે કોંગ્રેસ ની આબરૂ લીલામ કરતા નેતાઓ પર કાબુ મેળવવા ની છે,નહિ તો જે પક્ષ માં પદ અને ટિકિટ માટે આટલી લડાઈ છે એ જો સત્તા માં આવશે તો કેવી લડાઈ લડશે એવો પ્રશ્ન ગુજરાત ની પ્રજા ના મન માં વહેતો થશે, અને આ પ્રશ્ન જો વહેતો થયો તો એના વ્હેણ માં કોંગ્રેસ વહી જશે..!
ગુજરાત 360
-દિલીપસિંહ ક્ષત્રિય