Dr.Paresh Dhameliya
એક પછી એક વાજબી ખર્ચે સારવાર થઈ શકે તેવી ડીપ ચિલ્ડ્રન હોસ્પિટલની નવી શાખાઓ સ્થાપી આ બ્રાન્ડને પ્રા.લિ.માં કન્વર્ટ કરવાનો પરેશ ધામેલિયાનો લાઇફ ગોલ.
બાળક એ બાગનું ફૂલ કહેવાય, પરંતુ જો તે ફૂલને સમયસર યોગ્ય જાળવણી ન મળે તો તે ગમે ત્યારે કરમાઇને ખરી શકે છે. આ બાળપુષ્પોની સોડમ કાયમ રહે તે માટે સુરતના બાળરોગ નિષ્ણાત પરેશ ધામેલિયા સતત પ્રયત્નશીલ છે. જેઓ પાછલાં 12 વર્ષથી પોતાની હોસ્પિટલ ડીપ ચિલ્ડ્રનમાં બાળરોગોની સારવાર કરે છે.
ડીપ ચિલ્ડ્રન હોસ્પિટલની બે શાખાઓ છે. જે બંને પરેશ ધામેલિયાની પોતાની છે. જેમાંથી એક યોગીચોકમાં આવેલી છે જ્યારે બીજી શાખા વરાછારોડ પર આવેલી છે. પરેશ ધામેલિયાએ 2005માં પોતાનો અભ્યાસ પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદમાં પૂર્ણ કર્યો. ત્યાર બાદ તેમણે એક વર્ષ યોગીચોક ખાતે સમર્પણ હોસ્પિટલમાં જોબ કરી. ત્યાર પછી વરાછા રોડ પર તાપી બાગમાં 2007-08માં પોતાનું પ્રાઇવેટ સેટઅપ બનાવ્યું. એના ચાર વર્ષ પછી યોગીચોક ખાતે આઇ.સી.યુ.ની સુવિધાવાળું સેટઅપ બનાવ્યું. હાલ પણ આ બંને હોસ્પિટલોમાં તેઓ પણ એક ચીફ બાળરોગ નિષ્ણાત તરીકે પોતાનું યોગદાન આપે છે.
જ્યારે તેમનો અભ્યાસ પૂરો થયો અને જોબ કરતા હતા ત્યારે તેઓ સમર્પણ હોસ્પિટલમાં મુખ્ય બાળરોગ નિષ્ણાત અને મેનેજમેન્ટ પાર્ટમાં હતા. ત્યારે તેમણે જોયું કે લોકોને સ્વાસ્થ્યની સમસ્યાઓ તો છે પરંતુ આર્થિક તંગી પણ ખૂબ જ છે. મિડલ ક્લાસ પેરેન્ટસનાં બાળકોમાં મંદબુધ્ધિ, વારંવાર ખેંચ આવવી વગેરે જેવી સમસ્યા હોય તો સારવાર કરાવવાની ઇચ્છા છતાં નથી કરાવી શકતાં કારણ કે તેમની પાસે દવા સુધ્ધાંના પૈસા હોતા નથી. ત્યારથી તેમણે નક્કી કર્યું કે પોતે એવું સેટઅપ બનાવશે કે જેમાં નાનામાં નાનાં કે મહિને આઠ-દસ હજાર કમાનાર વ્યક્તિ પણ સારવાર લઇ શકે. પાંચ-છ વર્ષ જોબ ચાલી અને તે દરમ્યાન પરેશ ધામેલિયાનું આ વિસ્તારમાં હોસ્પિટલ ચાલુ કરવાનું સપનું પણ વિકસતું ગયું અને 2007-08માં તે સપનું સાકાર થયું. તેના ચાર વર્ષ બાદ બીજી શાખા પણ શરૂ કરી દીધી. જ્યાં લોકોને ખૂબ જ ઓછા ખર્ચે સારવાર મળી રહે છે. કેટલાક દરદીઓનો સો ટકા ખર્ચ પણ માફ કરી દેવાય છે. આ બન્ને હોસ્પિટલ થઇને 12 વર્ષની જર્નીમાં 5-7 લાખ ઓપીડી પેશન્ટ્સ, 3-4 લાખ એડમિટ પેશન્ટ્સની સારવાર થઇ છે. જેમાંથી એકથી દોઢ લાખ પેશન્ટ તો એવા છે જેને 50 ટકા રાહત દરે સારવાર મળી છે.
આ બન્ને મોટાં સાહસો બાદ પરેશ ધામેલિયા હજી એક ત્રીજા સેટઅપનો પ્લાન કરી રહ્યા છે. છ મહિના પછી વેસુ ખાતે આ પ્લાન આકાર લેશે. જેમાં તેમના બીજા પણ બે પાર્ટનર જોડાશે. હોસ્પિટલની સાથે સાથે તેઓ ફાર્મા ઇન્ડસ્ટ્રી સાથે પણ સંકળાયેલા છે. તેમનું પોતાનું મેન્યુફેક્ચર યુનિટ પણ છે અને ફાર્મા માર્કેટિંગની ત્રણ અલગ અલગ કંપનીઓ સાથે પણ તેઓ જોડાયેલા છે.
તેમની પોતાની પ્રેકટીસમાં તેઓ માને છે કે બાળકના વિષયમાં માત્ર તેનો રોગ જ નહીં તેની જમવાની આદતો, તેનો અભ્યાસ વગેરે પણ ધ્યાનમાં રાખવા જોઇએ. તેઓ પોતાની ડેઇલી પ્રેકટીસમાં રિકરન્ટ ઇલનેસ, ચાઇલ્ડ ડાયેટ, ચાઇલ્ડ ઇમ્યુનાઇઝેશન વગેરે પર ફોકસ કરે છે. તેમના મતે બાળકોમાં રિકરન્ટ ઇલનેસ શા માટે થાય છે તેનું કારણ શોધીને જો સારવાર કરવામાં આવે તો બાળકોની 70-80 ટકા બીમારીઓ તો એમ જ જતી રહેશે. દર્દીઓમાં વારંવાર શરદી, ઝાડા, ઉલ્ટી અને ઇલનેસની સમસ્યા હોય તો તે માત્ર યોગ્ય ડાયેટથી સુધારી શકાય છે. જ્યારે તેમણે પ્રેકટીસ ચાલુ કરી ત્યારે સુરતમાં બાળકોના મગજના કોઇ ડોક્ટર હતા નહીં. ત્યારે તેઓ ખૂબ ઓછો ચાર્જ લઇ સારવાર કરી આપતા.