ડી-માર્ટના માલિક રાધાકિશન દમાની દેશની બીજી સૌથી અમીર વ્યક્તિ

દેશમાં ડી-માર્ટ તરીકે જાણીતી બ્રાન્ડ એવન્યુ સુપરમાર્કેટના સંસ્થાપક રાધાકિશન દમાની દેશના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. આ સપ્તાહે અમીરોની યાદીમાં છઠ્ઠા સ્થાને રહેલા દમાનીએ માત્ર ત્રણ દિવસની અંદર જ બીજા ક્રમ પર છલાંગ લગાવી છે. દમાનીએ એચસીએલના સંસ્થાપર શિવ નાદર, બેંકર ઉદય કોટક, ગૌતમ અદાણી અને લક્ષ્મી મિત્તલને પછાડીને બીજો ક્રમ હાંસલ કર્યો છે. લો પ્રોફાઇલ અને ચર્ચાઓથી હંમેશા દૂર રહેતા દમાની એક સારા રોકાણકાર તરીકે પણ જાણીતા છે.
દમાની હવે કમાણીના મામલે માત્ર રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી કરતા પાછળ છે જેઓ ભારતના જ નહીં પરંતુ એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. શુક્રવારે દમાનીની સંપત્તિ 96 મિલિયન ડૉલર પર પહોંચી હતી. મુકેશ અંબાણીની સંપત્તિ 57.9 બિલિયન ડૉલર છે. ગુરૂવારે કંપનીના શેરમાં 0.54 ટકાનો ઉછાળો નોંધાયા બાદ તેમની સંપત્તિમાં વધારો નોંધાયો હતો. બીએસઇમાં ગુરૂવારે એવન્યુ સુપરમાર્કેટના શેર 2559 રૂપિયાના સ્તર પર પહોંચ્યા હતા.
શેર બજારના અનુભવી રોકાણકાર દમાની પાસે એવન્યુ સુપરમાર્કેટ સિવાય અન્ય જાણીતી કંપનીઓમાં ભાગીદારી પણ છે. દમાની પાસે ઇન્ડિયા સિમેન્ટ, વીએસટી ઇન્ડસ્ટ્રીઝ અને સિમ્પલેક્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓની ભાગીદારી છે. દેશની સૌથી વધુ ફાયદો કરતી ગ્રોસરી રિટેલ કંપનીઓમાં સામેલ એવન્યુ સુપરમાર્કેટના દેશમાં 196 સ્ટોર છે.
ઉલ્લેખનીય છે કે દમાનીની કંપનીએ 5 ફેબ્રુઆરીએ સંસ્થાગત રોકાણકારો માટે શેર વેચવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત કંપનીના પ્રમોટરોને ઓફર ફોર સેલની મદદથી 2.28 ટકા ભાગીદારી વેચવાની જાહેરાત કરી હતી. આનાથી કંપનીને 3032 કરોડ રૂપિયાની કમાણીનું અનુમાન છે.

Related Posts