નવા કેપ્ટનને પુરતો સમય આપવા કેપ્ટનશીપ છોડ્યાનો ધોનીનો ખુલાસો
૨૦૧૬ની શરૂઆતમાં મહેન્દ્ર સિંહ ધોનીએ અચાનક મયાર્દિત ઓવરોની મેચ માટેની ભારતીય ટીમના કેપ્ટન પદેથી રાજીનામુ આપી દીધું હતુ અને ત્યારથી લઇને અત્યાર સુધી એ વાત ચર્ચાનું કારણ રહી હતી કે ધોનીએ અચાનક આવું કેમ કર્યુ.
શું તેના પર કેપ્ટનશીપ છોડવા માટે દબાણ કરાયું હતું? એવા અનેક સવાલો થતાં રહ્યા હતા. ત્યારે ધોનીએ કેપ્ટનશીપ છોડ્યાના ૨૧ મહિના પછી જાતે જ એ વાતનો ખુલાસો સીઇએસએફના એક કાર્યક્રમમાં કર્યો હતો. ધોનીએ કહ્યું હતું કે મે યોગ્ય સમયે કેપ્ટનપદેથી રાજીનામુ આપ્યું હતું. હું ઇચ્છતો હતો કે નવા કેપ્ટનને ૨૦૧૯ના વર્લ્ડકપ પહેલા ટીમ તૈયાર કરવા માટે પુરતો સમય મળે.
તેણે કહ્યું હતું કે નવા કેપ્ટનને પુરતો સમય આપ્યા વગર એક મજબૂત ટીમ બનાવવી સંભવ નથી. તેથી મને લાગે છે કે મે યોગ્ય સમયે કેપ્ટનપદ છોડ્યું.
તેણે હાલમાં જ ઇંગ્લેન્ડ સામે મળેલા ૧-૪ના સિરીઝ પરાજય અંગે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ભારતીય ટીમે ઇંગ્લેન્ડમાં પુરતી સંખ્યામાં પ્રેક્ટિસ મેચ ન રમી તેના કારણે બેટ્સમેનોને ત્યાંની સ્થિતિ સાથે લય બેસાડવામાં મુશ્કેલી પડી.