-બુલેટ ટ્રેન રૂટનું નિર્માણ માર્ચ 2020 થી શરૂ થવાની ધારણા -સવારે 6 વાગ્યથી રાત્રે 12 વાગ્યા સુધી 70 ફેરા લગાવશે
મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી હાઇસ્પીડ બુલેટ ટ્રેનનું નિર્માણ આવતા વર્ષે માર્ચમાં શરૂ થશે જ્યારે ડિસેમ્બર 2023 સુધીમાં સંપૂર્ણ તૈયાર થઈ જશે.નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) ના અધિકારીએ હાલમાં જ આ માહિતી આપી છે. આ પ્રોજેક્ટને અમલમાં મૂકનારા એનએચએસઆરસીએલના મેનેજિંગ ડિરેક્ટર અચલ ખરેએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન રૂટનું નિર્માણ માર્ચ 2020 થી શરૂ થવાની ધારણા છે. તેમણે કહ્યું કે અમે આખા પ્રોજેક્ટને 27 પેકેજોમાં વહેંચ્યો છે. જેમાં વાપી અને વડોદરા વચ્ચે 237 કિલોમીટરનો પુલ અને વડોદરાથી અમદાવાદ વચ્ચેનો 87 કિલોમીટરના પેકેજનો સમાવેશ થાય છે. ચાર મોટા પેકેજો માટેના ટેન્ડર થઈ ગયા છે. આમાં મહારાષ્ટ્રમાં સમુદ્રની નીચે ટનલ બનાવવાનો સમાવેશ છે.
આ સમગ્ર પ્રોજેક્ટ માટે 1380 હેક્ટર જમીનની જરૂર છે જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખાનગી, સરકારી, જંગલ અને રેલ્વે જમીન શામેલ છે. અમે અત્યાર સુધીમાં 622 હેક્ટર એટલેકે 45 ટકા જમીનનું સંપાદન કરી લીધું છે. અમે ડિસેમ્બર 2023 ની સમયસીમા ને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યા છીએ. આ માર્ગ પર ચાર મોટા બાંધકામના પેકેજો માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અને માર્ચ 2020 માં બાંધકામ શરૂ થવાની ધારણા છે. તેમણે કહ્યું કે અંદાજ મુજબ, આ સમગ્ર પ્રોજેક્ટ પર 1.08 લાખ કરોડનો ખર્ચ થશે. આ બુલેટ ટ્રેન કોરિડોરમાં અમદાવાદથી મુંબઇ વચ્ચે 508 કિલોમીટરનાં અંતરે 12 સ્ટેશનો હશે.
અમદાવાદ-મુંબઈ વચ્ચે 70 ફેરા લગાવશે એન.એચ.એસ.આર.સી.એલ.ના એમ.ડી.અચલ ખરેએ જણાવ્યું હતું કે, કામ પૂર્ણ થયા બાદ મુંબઇ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન સવારે 6 વાગ્યથી રાત્રે 12 વાગ્યા સુધી 70 ફેરા લગાવશે. બંને તરફ 35-35 ફેરા લગાવશે. તેનું ભાડુ આશરે 3000 હજાર રૂપિયા હશે. 508 કિમી લાંબા આ રૂટ પર કુલ 12 સ્ટેશનો હશે. બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ અમદાવાદના હાલના રેલ્વે સ્ટેશનથી શરૂ થયું ચુક્યું છે. તે સ્ટેશનના પૂર્વ વિસ્તારમાં પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12 પર બનાવવામાં આવશે.