અનિલ અંબાણી પર નવુ સંકટ

બ્રિટનની એક અદાલતે રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણીને આદેશ આપ્યો છે કે તેઓ છ સપ્તાહની અંદર ૭ અબજ ૧પ કરોડ ૧૬ લાખ રૂપિયા(૧૦ કરોડ)ની રકમ જમા કરાવે. અનિલ અંબાણીના ઉદ્યોગ ગૃહે ચીનની બેંકો પાસેથી લીધેલા ધિરાણોની બાકી ચુકવવાની રકમ અંગે ચાલી રહેલી સુનાવણી દરમ્યાન આ આદેશ અપાયો છે.

ચીનની ટોચની કેટલીક બેંકો પાસેથી અનિલ અંબાણીના જૂથે લોનો લીધી હતી. જેની ૬૮ કરોડ ડોલર (૪૮ અબજ ૬૩ કરોડ ૮૮ લાખ રૂપિયા)ની બાકી ચુકવવાની રકમની માગણી આ બેંકો કરી રહી છે જે અંગે તેમણે યુ.કે.ની અદાલતમાં દાવો માંડ્યો છે. આ દાવાની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટ ઓફ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ દ્વારા અનિલ અંબાણીને આ આદેશ આપવામાં આવ્યો હતો. ચીનની બેંકોનું કહેવું છે કે અનિલ અંબાણીએ ફેબ્રુઆરી ૨૦૧૨માં જૂના દેવા ચુકવવા માટે લીધેલા ધિરાણોની ચુકવણી માટે જે વ્યક્તિગત ગેરંટી આપી હતી તેનું પાલન તેમણે કર્યું નથી. જ્યારે અનિલ અંબાણીએ કહ્યું છે કે પોતે આવી કોઇ ગેરન્ટી અંગત રીતે આપી જ નથી કે પોતાના વતી અંગત ગેરન્ટી આપવા માટે કોઇને અધિકૃત કર્યા નથી. ચીનની ત્રણ બેંકોએ અનિલ અંબાણી વિરુદ્ધ લંડનમાં કેસ કરવામાં આવ્યો છે જેની સુનાવણી હાઇકોર્ટ ઓફ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સના કોમર્શિયલ વિભાગમાં ચાલી રહી છે જે સુનાવણી દરમ્યાન જજ ડેવિડ વોક્સમેને ૧૦ અબજ ડોલરની રકમ જમા કરાવવા માટે અંબાણીને છ સપ્તાહનો સમય આપતા જણાવ્યું હતું કે તેઓ અનિલ અંબાણીના બચાવમાં કહેવામાં આવેલી એ વાત માની શકતા નથી કે તેમની નેટવર્થ લગભગ શૂન્ય છે અથવા તેમનો પરિવાર સંકટના સમયમાં તેમની મદદ નહીં કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે અનિલ અંબાણીના વકીલે ગઇકાલે આ કોર્ટમાં સુનાવણી વખતે રજૂઆત કરી હતી કે અનિલ અંબાણીની જવાબદારીઓ ધ્યાનમાં લેવામાં આવે તો તેમની મિલકતો શૂન્ય છે.

સુનાવણી દરમ્યાન જજે એવો સવાલ પણ કર્યો હતો કે અનિલ અંબાણી એ વાત પર ભાર આપી રહ્યા છે કે તેઓ અંગત રીતે દેવાળિયા થઇ ગયા છે ત્યારે શું તેમણે ભારતમાં નાદારી નોંધાવવા માટેની અરજી કરી છે ખરી? અનિલ અંબાણીના વકીલોએ આનો જવાબ નકારમાં આપ્યો હતો.

Related Posts