15 ઓગસ્ટે શ્રીનગરના લાલચોકમાં અમિત શાહ ત્રિરંગો ફરકાવે તેવી શક્યતા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 15 ઓગસ્ટે દેશના 73મા સ્વતંત્રતા દિવસે શ્રીનગરના લાલચોકમાં ત્રિરંગો ફરકાવે તેવી શક્યતા છે. જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો નાબૂદ થયા પછી અમિત શાહની આ પહેલી કાશ્મીર યાત્રા છે. જો કે, તેમની યાત્રા અંગે સ્થાનિક પોલીસ કે તંત્ર દ્વારા કોઇ માહિતી આપવામાં આવી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમની આ યાત્રા મુદ્દે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે બેઠક થઇ ચૂકી છે. ડોભાલ હાલમાં કાશ્મીરમાં જ છે અને સ્થાનિક અધિકારીઓએ તેમને આવું નહીં કરવા માટેની સલાહ આપી છે. આવું કરવાથી કાશ્મીરની હાલત બગડી શકે છે તેવી આશંકા સ્થાનિક અધિકારીઓએ વ્યક્ત કરી છે.
તો બીજી તરફ દિલ્હીના ગૃહમંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહની કાશ્મીરની યાત્રા નક્કી છે. પરંતુ તારીખ અંગેની કોઇ જાહેરાત કરવામાં આવી નથી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ બાબત ગુપ્ત રાખવામાં આવી છે. ગૃહમંત્રીના એક અધિકારીએ કહ્યું હતું કે, આ સુરક્ષા સાથે જોડાયેલો મામલો છે. હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તનાવ છે. ગૃહમંત્રીની યાત્રા અંગે કોઇપણ જાણકારી પહેલેથી આપી શકાય તેમ નથી. સામાન્ય સંજોગોમં ગૃહમંત્રી બીએસએફના વિમાનોમાં યાત્રા કરે છે. સરકારી એજન્સીઓને પણ યાત્રાની જાણકારી અંતિમ સમયે આપવામાં આવે છે. એરપોર્ટની સુરક્ષા કરતાં સીઆઇએસએફને પણ આ જાણકારી અગાઉથી આપવામાં આવતી નથી. જો તેઓ શ્રીનગરના લાલચોક પર ઝંડો ફરકાવશે તો કોઇ મોટા રાજકીય નેતા દ્વારા ઝંડો ફરકાવવાની ઘટના વર્ષો પછી બનશે. 1948માં જવાહરલાલ નહેરૂએ લાલચોક પર ઝંડો ફરકાવ્યો હતો જ્યારે 1992માં ભાજપના નેતા મુરલી મનોહર જોશીએ અહીં ત્રિરંગો ફરકાવ્યો હતો ત્યારે નરેન્દ્ર મોદી કાર્યકર્તા હતા.