એક કાર સીધી પ્રિયંકા ગાંધીનાં ઘરના બગીચામાં ઘૂસી ગઇ..
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં એક મોટી ભુલ સામે આવી છે. તેમના નવી દિલ્હી સ્થિત લોધી ઇસ્ટેટ ઘરમાં એક કાર ઘૂસી આવી હતી જેમાં સાત લોકો હતા. આ લોકોએ પ્રિયંકાનાં પ્રશંસકો હોવાનું જણાવી તેમની પાસે ઓટોગ્રાફની માંગ કરી હોવાનો દાવો સૂત્રોએ કર્યો હતો. સીઆરપીએફ દ્વારા સલામતીનો હવાલો લીધાં બાદ સુરક્ષામાં આ મોટી ચુક થઇ હોવાનો દાવો કોંગ્રેસ મહાસચિવની ઓફિસ દ્વારા સીઆરપીએફ સામે દર્શાવવામાં આવ્યો હતો. સૂત્રોએ કહ્યું હતું કે એક કાર સીધી તેમના ઘરના બગીચા પાસે આવી ગઇ હતી જેમાં ત્રણ પુરૂષ, ત્રણ મહિલા અને એક છોકરી હતી. તેઓ પ્રિયંકા ગાંધી પાસે આવ્યા હતા અને તેમની સાથે ફોટોગ્રાફ લેવાની કોશીશ કરી હતી. સૂત્રોએ એ પણ કહ્યું હતું કે પ્રિયંકા ગાંધીએ તેમની સાથે સારું વર્તન કરતા ફોટોગ્રાફ લીધાં હતા અને ત્યારબાદ તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. જો કે ત્યારબાદ આ ઘટનાને તેમની ઓફિસ દ્વારા સીઆરપીએફ સામે ઉઠાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગત મહિને કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો નિર્ણય લઇને ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા પરત લઇ લેવાનો નિર્ણય કર્યો હતો અને તેમની સુરક્ષા ઝેડ પ્લસ કવર સાથે સીઆરપીએફને સોંપવામાં આવી હતી. અત્રે એ પણ કહેવું રહ્યું કે ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા પરત લેવા મામલે કોંગ્રેસે રોડથી સંસદ સુધી પ્રદર્શન કરીને કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, ગાંધી પરિવારની એસપીજી સુરક્ષ પરત ખેંચી લેવી એ રાજનીતિનો એક ભાગ છે.