દિલ્હીની મહિલા લીનુંસિહ દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીની ફરિયાદ બાદ ગુજરાતના આઈએએસ અધિકારી ગૌરવ દહિયા સામેના આક્ષેપોની તપાસ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સિનિયર આઈએએસ અધિકારીઓની બનેલી કમિટીને તપાસ સોંપવામાં આવી હતી. આ કમિટી દ્વારા આપવામાં આવેલા રિપોર્ટના પગલે રાજ્ય સરકારે આજે ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરી દીધા છે. તેમની સામે હવે ખાતાકિય રાહે તપાસ કરવામાં આવશે. આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારના પ્રવક્તાએ કહ્યું હતું કે, હવે ગૌરવ દહિયા સામે શિસ્તભંગનાં પગલાં અને તપાસની કાર્યવાહીના પગલે રાજય સરકારે તેમને સસ્પેન્શન હેઠળ મૂક્યા છે.
લીનુંસિંહ દ્વારા દિલ્હી પોલીસ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી કે, મારી સાથે લગ્ન કર્યા બાદ બાળક પણ થયું છે. છતાં દહિયાના અન્ય બીજી મહિલા સાથે પણ સંબંધો છે. તેની સાથે લીવ ઈન રિલેશનશિપ રાખે છે. દહિયાએ પણ દિલ્હીની મહિલા સામે વળતી ફરિયાદ કરી પોતાને બ્લેકમેઈલ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે. હવે રાજ્ય મહિલા આયોગ દ્વારા પણ ગૌરવ દહિયાને નોટિસ મોકલાવીને નિવેદન આપવા બોલાવ્યા છે. આ ઉપરાંત ગાંધીનગર સેક્ટર 7 પોલીસ દ્વારા પણ નિવેદન માટે બોલાવવામાં આવ્યા છે. તેમ છતાં તેઓ હાજર થયા નથી. દહિયાએ પણ ન્યાય મેળવવા માટે હવે ગુજરાત હાઈકોર્ટનો આશરો લીધો છે.