સુરત રેલવે સ્ટેશનના યાર્ડમાં બીજા દિવસે પણ કામદારોની હડતાળ જારી

 

સુરત : સુરત રેલવે સ્ટેશનના પર આવેલા યાર્ડ (સિમેન્ટ ડેપો)ના કોન્ટ્રાક્ટના કામદારો ૫૦ ટકા પગાર વધારાની માંગ સાથે ગઇકાલે હડતાળ પર ઉતર્યા હતા. આ કામદારોઍ આજે પણ હડતાળ ચાલુ રાખતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.

સુરત સ્ટેશન પર બે દિવસથી પડેલી સિમેન્ટ ભરેલી ગુડસ ટ્રેન આજે વડોદરા રેલવે સ્ટેશનના યાર્ડમાં ખાલી કરવા લઇ જવી પડી હતી. કામદારોને હાલ ગુડસ ટ્રેનમાંથી સિમેન્ટની ૧ બોરી ઊંચકી ટ્રકમાં મુકવા માટે કોન્ટ્રાકટ દ્વારા ૨ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. જેનો ભાવ ૩ રૂપિયા કરવા કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

સુરત રેલવે સ્ટેશનના લંબેહનુમાન ગરનાળાની બાજુમાં રેલવેનું ગુડસ યાર્ડ વર્ષો પહેલા બનાવવામાં આવ્યું છે. જયાં દેશના અલગ-અલગ ખુણેથી સિમેન્ટ, અનાજ સહિતના સામાનનો જથ્થો સુરતમાં આવે છે અને તે જથ્થો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મોકલવામાં આવી રહ્યો છે.

ગુડ્સ યાર્ડમાં રેલવેના કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા ૪૦૦ જેટલા કામદારો સિમેન્ટ અને અનાજની બોરીઓ ઊંચકવાનું કામ કરે છે. રેલવેના કોન્ટ્રાકટર દ્વારા કામદારોને પ્રતિ બોરી દિઠ ૨ રૂપિયા મજૂરી દર ચુકવવામાં આવે છે.

છેલ્લા કેટલાક દિવસોથી કામદારો દ્વારા મજૂરી દર વધારવા માટે કોન્ટ્રાકટરને રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોન્ટ્રાકટરે ધ્યાન નહી આપતા આખરે ગઇકાલથી હડતાળ પર ઉતરેલા કામદારો આજે પણ કામકાજથી અળગા રહ્યા હતા. ગઇકાલે સવારથી ૪૦૦ જેટલા કામદારોઍ હડતાલ પાડી કામગીરી ઠપ્પ કરી દીધી હતી.

મંગળવારે સાંજે આવેલી સિમેન્ટ ભરેલી ગુડસ ટ્રેન ગઇકાલે દિવસભર યાર્ડમાં ટ્રેક પર પડી રહી હતી. જેથી દોડતા થયેલા રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજે સ્ટેશનના યાર્ડમાં પડેલી સિમેન્ટ ભરેલી ટ્રેન ખાલી કરવા માટે વડોદરા મોકલવી પડી હતી. આ હડતાળ ચાલુ વધુ દિન ચાલુ રહેશે તો રેલવેને આવકમાં ખોટ જવાની શકયતા છે.

  • Related Posts