સુરત મનપા દ્વારા હાલમાં મેન્યુઅલી દોરડા નાંખી સફાઈ કરવામાં આવે છે.

  • 52
    Shares

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કુલ ૧૪થી ૧૫ જેટલા સ્વિમિંગ પુલ કાર્યરત છે. જેમાં ઘણા નાના તો ઘણા મોટા પણ છે. જેની સફાઈ માટે મનપા દ્વારા હાલમાં મેન્યુઅલી દોરડા નાંખી સફાઈ કરવામાં આવે છે. જેમાં સફાઈમાં સમય પણ લાગે છે તેમજ ભય પણ રહે છે. પરંતુ હવે આ કામગીરી મશીનરીથી જ થઈ જાય તે માટે મનપા દ્વારા સ્વિમિંગ પુલની સફાઈ માટે આવતા ખાસ રોબોટિક ક્લિનર મશીન ખરીદાશે. જે માટેનું કામ ટેન્ડર સ્ક્રુટીની કમિટીમાં મુકાયું છે. જેના પર આવતીકાલે મળનારી ટીઍસસીની મિટીંગમાં ચર્ચા કરાશે. કુલ રૂા. ૬.૮૫ લાખના ખર્ચે બે મશીન ખરીદવાના કામ પર ચર્ચા થશે.

સ્વિમિંગ પુલની સફાઈ વ્યવસ્થિત રીતે અને ઝડપથી થાય તે માટે હવે રોબોટીક ક્લિનર મશીન ખરીદાશે. જે માટે ઍસઍમકે રોબોટિક્સ, સુરતની કંપની દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું છે. પ્રાયોગિક ધોરણે સુરત મનપા દ્વારા નાની સાઈઝના સ્વિમિંગપુલ માટે નાનું મશીન અને મોટા માટે મોટી સાઈઝનું મશીન ખરીદાશે. હાલમાં ઍક નાનું અને ઍક મોટું મશીન ખરીદવાનું કામ છે. પ્રયોગ સફળ રહ્યા બાદ વધુ મશીન ખરીદાશે તેમ જણાવાયું છે. જેમાં નાના મશીનની કિંમત રૂા. ૨.૧૫ લાખ અને મોટા મશીનની કિંમત રૂા. ૪.૭૦ લાખ છે. આ મશીનની મદદથી સ્વિમિંગ પુલના તળિયે રહેલી લીલ, વજનદાર પડી ગયેલી ચીજ-વસ્તુઓ તેમજ યોગ્ય સફાઈ પણ આસાનીથી થઈ શકશે. જે માટે આવતીકાલે મળનારી ટીઍસસી મિટીંગમાં નિર્ણય લેવાશે

  • Related Posts