સુરતીઓ આ વર્ષે અસહ્ય ગરમી સહન કરવા તૈયાર રહે

 

શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ ક્રમશ:વધી રહ્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં સુરત સમેત રાજ્યમાં આકરી ગરમી પડવાની આગાહી કરી છે. આ વખતે ગરમીનો પારો ૫૦ વર્ષનો રેકોર્ડ તોડે તેવી સંભાવનાઓ રહેલી છે. જેથી સુરતમાં ગયા વર્ષની સરખામણીઍ તાપમાનનો પારો ઍક થી બે ડિગ્રી વધુ નોંધાઈ શકે છે.

હવામાન વિભાગ દ્વારા સિઝનલ ફોરકાસ્ટ રિપોર્ટમાં આકરા ઉનાળાની ચેતવણી આપવામાં આવી છે. ગ્લોબલ વોમિઝ્ગની અસર તળે ઉનાળામાં હિટવેવની અસર જોવા મળશે. જેમાં ગરમી આ વખતે શહેરમાં છેલ્લા ૫૦ વર્ષનો રેકોર્ડ તોડશે. દિલ્હી રાજસ્થાન, હરિયાણા, પંજાબ જેવા રાજ્યોમાં ઉનાળા કરતા દોઢ ડિગ્રી વધુ તાપમાન તેમજ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પણ સામાન્ય કરતા બે ડિગ્રીથી વધુ તાપમાન નોંધાશે. આ સિવાય ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર, ઝારખંડ, પ.બંગાળ, મરાઠાવાડ, વિદર્ભ, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં ગરમી આ વખતે અસહ્ય હદ વટાવી શકે છે. આ સિવાય દક્ષિણ ભારત અને નોર્થ ઇસ્ટના રાજ્યોમાં તાપમાન સામાન્ય રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ભારતના જે રાજ્યો હીટવેવથી પ્રભાવિત વિસ્તારોાં આવે છે તેની પરિસ્થિતિ વધારે બગડી શકે છે.
સુરતમાં ચાલુ વર્ષે સરેરાશ તાપમાન તથા ગયા વર્ષના સૌથી વધુ મહત્તમ તાપમાન કરતા ચાલુ વર્ષે તાપમાન ઍક થી બે ડિગ્રી વધુ નોંધાઈ શકે છે. ગયા વર્ષે શહેરમાં તાપમાનનો રેકોર્ડ ૪૩ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ઍટલે જો ચાલુ વર્ષે ગરમીનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચી જાય તો નવાઈ નહી.

શહેરમાં આજે મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રીઍ પહોંચ્યુ
શહેરમાં આજે મહત્તમ તાપમાનનો પારો ૩૭.૮ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. છેલ્લા ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. જ્યારે લઘુત્તમ તાપમાનમાં પણ અઢી ડિગ્રીનો વધારો નોંધાયો છે. આજે લઘુત્તમ તાપમાન ૨૩.૨ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૨૩ ટકા રહેવાની સાથે છ કિલોમીટરની ઝડપે ઉત્તરના પવનો ફુંકાયા હતા.

 સરેરાશ કરતા મહત્તમ તાપમાન અઢી ડિગ્રી વધુ
શહેરમાં માર્ચ મહિનાની શરૂઆત થયાને બે અઠવાડિયા થયા છે. ત્યાં તાપમાનનો પારો ૩૮ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. માર્ચ મહિનામાં શહેરનું સરેરાશ તાપમાન ૩૫.૪ ડિગ્રી હોય છે. ઍટલે કે હાલ સરેરાશ મહત્તમ તાપમાન કરતા શહેરનું મહત્તમ તાપમાન અઢી ડિગ્રી વધારે નોંધાઈ રહ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં સરેરાશ તાપમાન ૩૨.૩ ડિગ્રી હોય છે. પરંતુ ગયા મહિને મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચી જતા સરેરાશ તાપમાનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. જેના પરથી અનુમાન કરી શકાય છે કે ચાલુ વર્ષે ઍપ્રિલ અને મે મહિના સુધીમાં ગરમી કેટલાય રેકોર્ડ તોડી લોકોને આગ ઓકતી ગરમીનો અનુભવ કરાવી શકે છે.

  • Related Posts