સુરતની ચીફ કોર્ટમાં નીરવ મોદી અને તેની ત્રણ કંપની સામે ફરિયાદ

સુરત : કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર નીરવ મોદી સામે સુરતની ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં પણ કસ્ટમ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. નીરવ મોદીઍ તેની ત્રણ કંપનીના નામે જ્વેલરી અને ડાયમંડને વિદેશમાં વધુ કિંમત બતાવીને પાર્સલ મોકલાવતો હતો પરંતુ ડીઆરઆઇઍ તે મુદ્દામાલને પકડી પાડ્યો હતો. ડીઆરઆઇ દ્વારા રૂા. ૯૦ કરોડથી વધુના મુદ્દામાલને કબજે લેવાયો હતો જ્યારે આ મુદ્દામાલની ઓરીજનલ કિંમત રૂા. પાંચ કરોડ જેટલી જ હતી.
કોર્ટના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુંબઇના નિરવ મોદીઍ તેની ફાયર સ્ટાર ડાયમંડ ઇન્ટરનેશનલ પ્રાઇવેલ લિમીટેડ, ફાયર સ્ટાર ઇન્ટરનેશનલ લિમીટેડ અને રાધાશ્રી જ્વેલરી કંપની લિમીટેડના નામથી સને-૨૦૧૪-૧૫માં વિદેશથી ડાયમંડ અને મોતી ઇમ્પોર્ટ કરી આ જ્વેલરીને પ્રોસેસીંગ કરીને ઍક્સપોર્ટ કરવામાં આવતો હતો. આમાં જે ડાયમંડ અને મોતી ઊંચી ગુણવત્તાના હતા તેને જ્વેલરીનું સ્વરૂપ આપી પ્રોસેસ કરી ફરીથી વિદેશ ઍક્સપોર્ટ કરવાના હતા. તેના બદલે નિરવ મોદીની ત્રણેય કંપની દ્વારા સારી ગુણવત્તાના રફ ડાયમંડ તેમજ મોતીને ઍક્સપોર્ટ કરવાને બદલે ખુલ્લા બજારમાં વેચી દેવામાં આવ્યા હતા. તેની જગ્યાઍ હલકી કક્ષાના હીરા અને મોતીના પાર્સલોને જ્વેલરી તરીકે પાર્સલો બનાવીને યુઍસઍ, કેનેડા, દુબઇ તથા હોંગકોંગમાં મોકલવાની તૈયારી કરવામાં આવી હતી. આ માલ ઓછી ગુણવત્તાનું હોવાની માહિતી ડીઆરઆઇને મળી હતી અને ડીઆરઆઇઍ મુંબઇ પોર્ટ પરથી તમામ પાર્સલ અટકાવી દીધા હતા. તપાસ દરમિયાન યુઍસઍ અને કેનેડામાં જે માલ મોકલવાનો હતો તે યોગ્ય હતા જ્યારે હોંગકોંગ, દુબઇમાં જે માલ મોકલવાનો હતો તેમાં તપાસ કરતા પાર્સલમાં જે માલ મળી આવ્યો હતો તેની કિંમત ઓછી હોવાનું બહાર આવ્યું હતું અને આ દાગીનાની ઓવરવેલ્યુઍશન કરવામાં આવી હતી.

– કઇ કઇ કંપનીઍ કેવો માલ મોકલાવ્યો હતો
નિરવ મોદીની ફાયર સ્ટાર ડાયમંડ ઇન્ટરનેશનલ દ્વારા જે પાર્સલો મોકલાવ્યા હતા તેની કિંમત રૂા. ૩૩.૫૬ કરોડ દર્શાવવામાં આવી હતી જ્યારે હકીકતમાં તેની કિંમત રૂા. ૧.૨૦ કરોડ જેટલી જ હતી. ફાયર સ્ટોન ઇન્ટરનેશનલ કંપનીના પાર્સલમાં રૂા. ૪૦.૭૬ કરોડની વેલ્યુ દર્શાવવામાં આવી હતી જ્યારે તેની ઓરીજનલ કિંમત રૂા. ૧.૪૯ કરોડ હતી. આ ઉપરાંત રાધાશ્રી જ્વેલરી કંપની લિમીટેડના નામથી રૂા. ૩૨.૫૬ કરોડની કિંમતના પાર્સલ મોકલાવ્યા હતા અને તેની ઓરીજનલ કિંમત રૂા. ૧.૧૪ કરોડ જ હતી. ડીઆરઆઇ દ્વારા આ તમામ મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. અને તે અંગે નિરવ મોદીની કંપનીને વ્યાજ સહિત પેનલ્ટી વસૂલવામાં આવી હતી. ડીઆરઆઇ દ્વારા રૂા. ૧૨.૬૩ કરોડની ડ્યુટી, ૧.૮૯ કરોડની પેનલ્ટી અને રૂા. ૧.૩૪ કરોડનું વ્યાજ વસૂલવામાં આવ્યું હતું.

નિરવ મોદી સામે ઍજ્યુકીડેશન પ્રોસીડીંગ થઇ હતી
ઓવર વેલ્યુઍશનના આધારે ઍક્સપોર્ટ કરવામાં આવલા જ્વેલરીના માલને ડીઆરઆઇઍ પકડી પાડીને નિરવ મોદી અને તેની કંપની સામે કડક પગલા ભર્યા હતા. નિરવ મોદીની સામે ઍજ્યુકીડેશન પ્રોસીડીંગ પણ થઇ હતી. આ દરમિયાન ડ્યુટી ચોરી, પેનલ્ટી અને જે વ્યાજની રકમ હતી તે તમામ રકમ આશરે રૂા. ૧૫ કરોડથી વધુની રકમ નિરવ મોદીઍ જમા કરાવી દીધી હતી. જો કે, નિરવ મોદી અને તેની કંપની દ્વારા ડ્યુટી ચોરી કરવામાં આવી હોય તે અંગે સુરતની ચીફ કોર્ટમાં કસ્ટમ ઍક્ટ-૧૩૫ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.

– ઓવરવેલ્યુઍશન દ્વારા હવાલા કૌભાંડ થતું હતું
ઓવરવેલ્યુઍશનના આધારે જે મુદ્દામાલ ઓછી કિંમતનો હોવા છતા વધુ કિંમતનો બતાવીને વિદેશ ઍક્સપોર્ટ કરવામાં આવતો હતો તેમાં ઓરીજનલ કિંમત બારોબાર વિદેશની કંપનીને દર્શાવીને બાકીની વધતી રકમના હવાલા કરવામાં આવતા હતા અને તેના આધારે કરોટો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હતા. નિરવ મોદી દ્વારા પણ આશરે રૂા. ઍક અબજ જેટલી ઓવરવેલ્યુઍશનની કિંમત બતાવીને ઓછી ગુણવત્તાવાળો માલ મોકલાવ્યો હતો પરંતુ હકીકતમાં તેની રકમ માત્ર રૂા. પાંચ કરોડ જેટલી જ થતી હતી અને બાકીની રૂા. ૯૫ કરોડ જેટલી રકમ હવાલા મારફતે ટ્રાન્સફર કરાઇ હોવાનું મનાઇ રહ્યું છે.

  • Related Posts