સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઇટ રાઇડર્સને પાંચ વિકેટે હરાવ્યું

કોલકાતા : આઇપીઍલની ૧૧મી સિઝનમાં અહીં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં કોલકાતાઍ મુકેલા ૧૩૯ રનના લક્ષ્યાંક સામે સનરાઇઝર્સ હૈદરાબાદે ૧૯ ઓવરમાં પાંચ વિકેટના ભોગે વિજય મેળવી લીધો હતો. સનરાઇઝર્સ તરફથી કેપ્ટન કેન વિલિયમ્સને સૌથી વધુ ૫૦ રન બનાવ્યા હતા. વિલિયમ્સન આઉટ થયો ત્યારે સનરાઇઝર્સે ૧૬ બોલમા ૨૦ રન કરવાના બાકી હતા.

સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગનો પ્રારંભ રિદ્ઘિમાન સાહા અને શિખર ધવને ૩ ઓવરમાં ૩૨ રન કરીને જોરદાર કરાવ્યો હતો, જો કે બોર્ડ પર ૪૬ રન હતા ત્યારે સાહા અને ધવન બંને આઉટ થયા હતા તે પછી મનીષ પાંડે પણ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગયો હતો અને ૧૧ બોલમાં તે માત્ર ૪ રન બનાવીને આઉટ થયો હતો. સનરાઇઝર્સના કેપ્ટન કેન વિલિયમ્સને જોકે ઍક છેડો સાચવીને બેટિંગ કરતાં ૪૪ બોલમાં ૪ ચોગ્ગા અને ઍક છગ્ગાની મદદથી ૫૦ રન બનાવ્યા હતા. તેણે શકીબ સાથે મળીને ચોથી વિકેટની ભાગીદારીમાં ૫૯ રન ઉમેર્યા હતા. શકીબ ૨૭ રન બનાવીને આઉટ થયો હતો. તે પછી વિલિયમ્સન પર ૫૦ રને આઉટ થયો હતો. યુસુફ પઠાણે આવીને ૭ બોલમાં બે ચોગ્ગા અને ઍક છગ્ગાની મદદથી ૧૭ રન બનાવીને ટીમને વિજેતા બનાવી હતી.

આ પહેલા સનરાઇઝર્સના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને ફિલ્ડીંગનો નિર્ણય કર્યો હતો. તેના બોલરોઍ કોલકાતાની નબળાઇઓનો ફાયદો ઉઠાવીને બોલિંગ કરી હતી અને તેના કારણે કોલકાતાની ટીમ પોતાના ઘરઆંગણે ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને માત્ર ૧૩૮ રન જ બનાવી શકી હતી. કોલકાતાના ખેલાડીઓનું બેટિંગમાં સાવ જ કંગાળ પ્રદર્શન રહ્યું હતું, તેની સામે સનરાઇઝર્સ હૈદરાબાદની ફિલ્ડીંગ ઉત્તમ રહી હતી. કોલકાતાના માત્ર ત્રણ જ બેટ્સમેન ડબલ આંકડે પહોંચી શક્યા હતા. જેમાં ક્રિસ લિને ૪૯, દિનેશ કાર્તિકે ૨૯ અને નીતિશ રાણાના ૧૮ રન હતા. ભુવનેશ્વરે ૩ જ્યારે શકિબ અને સ્ટેનલેકે ૨-૨ વિકેટ ઉપાડી હતી.

  • Related Posts