સંસદમાં ત્રીપલ તલાક બિલ પસાર કરાવવા સરકારે કાયદો કર્યો હળવો

  • 11
    Shares

 

તાત્કાલિક ત્રણ તલાક પર પ્રસ્તાવિત કાયદા અંગે તેના દુરુપયોગનો ભય સેવાઈ રહ્યો છે, આ કાયદો ત્રીપલ તલાકને ગેરકાયદે ઠરાવે છે અને પતિને ૩ વર્ષ સુધીની જેલની સજા આપે છે. સરકારે આ ભયને દૂર કરવા આજે તેમાં અમુક સુધારા કર્યા છે જેમ કે સુનાવણી પહેલાં આરોપીને જામીન આપવાની જોગવાઈ.

કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે પત્રકારોને જણાવ્યું હતું મુસ્લિમ વિમેન પ્રોટેક્શન ઓફ રાઈટ ઓન મેરેજ બિલમાં કેન્દ્રીય કેબિનેટે ૩ સુધારા કર્યા છે, આ બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે જ્યારે રાજ્યસભાની મંજૂરી મળવાની બાકી છે.

આવતી કાલે સંસદના ચોમાસું સત્રનો છેલ્લો દિવસ છે અને સરકાર આ સુધારાઓને રાજ્યસભામાં રજૂ કરી શકે છે જો ઉપલા ગૃહમાં બિલ પસાર થઈ જતું છે તો તેને સુધારાઓ પસાર કરાવવા લોકસભામાં પરત મોકલાવાશે.

પ્રસ્તાવિત કાયદો બિનજામીન પાત્ર જ રહેશે પણ આરોપી સુનાવણી પહેલાં મેજીસ્ટ્રેટ પાસે જઈ જામીન માંગી શકે છે. બિનજામીન પાત્ર કાયદા હેઠળ પોલીસ સ્ટેશનમાં પોલીસ જાતે જ જામીન આપી શકે નહીં.

પ્રસાદે જણાવ્યું હતું  બિલમાં એક જોગવાઈ સામેલ કરાઈ છે જે મુજબ  પત્નીને સાંભળ્યા બાદ મેજીસ્ટ્રેટ જામીન આપી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું જો પતિ ખાતરી આપશે કે તે બિલ મુજબ વળતર આપશે ત્યારબાદ જ મેજીસ્ટ્રેટ જામીન આપશે. વળતરની રકમ મેજીસ્ટ્રેટ નક્કી કરશે.

અન્ય સુધારામાં સ્પષ્ટ કરાયું છે કે જો પીડિતા, તેના લોહીના સંબંધી અથવા લગ્ન બાદ તેના સંબંધી બન્યા હોય તે લોકો ફરીયાદ કરે ત્યારે જ એફઆઈઆર નોંધવામાં આવશે. બિલમાં કરાયેલા ત્રીજા સુધારા મુજબ ત્રણ તલાક ગુનાને માંડવાળપાત્ર ગણવામાં આવ્યો છે, મેજીસ્ટ્રેટ પોતાની સત્તાનો ઉપયોગ કરી પતિ અને પત્ની વચ્ચે સમાધાન કરાવી શકે છે. માંડવાળપાત્ર ગુના હેઠળ બંને પક્ષ પોતાનો કેસ પાછો લઈ શકે છે. જો કે તાત્કાલિક ત્રણ તલાક ગેરકાયદે અને રદબાતલ ગણાશે જેમાં પતિને ૩ વર્ષ સુધીની સજા થઈ શકે છે.

પ્રસાદે કહ્યુ હતું આ સુધારા બાદ પણ શું કોંગ્રેસ, બસપા અને ટીએમસી આ બિલનો વિરોધ કરશે. દહેજ કાયદા અને ઘરેલુ હિંસા કાયદા હેઠળ મુસ્લિમો અને અન્ય લોકોને જેલ જવું જ પડે છે ત્યારે ત્રણ તલાકમાં જેલની જોગવાઈનો વિરોધ કેમ? ઉલ્લેખનીય છે આ બિલમાં જામીનની જોગવાઈ સામેલ કરવી વિરોધી પક્ષોની પ્રમુખ માંગણીઓ પૈકી એક છે.

પ્રસ્તાવિત ત્રણ તલાક બિલ હેઠળ મહિલા પોતાના સગીર વયના બાળકનો કબ્જો મેજીસ્ટ્રેટ પાસે માંગી શકે છે જે આ મુદ્દે અંતિમ નિર્ણય આપશે.

 

 

  • Related Posts