શૂટિંગ વર્લ્ડ કપ: અખિલ શેરોને જીત્યો ગોલ્ડ, ૯ પદક સાથે ભારત ટોચ પર

મેક્સિકોમાં ચાલી રહેલા આઈઍસઍસઍફ વર્લ્ડ કપમાં ભારતે પોતાની આગેકૂચ જારી રાખી હતી. યુવા શૂટર અખિલ શેરોને ૫૦ મીટર રાયફલ ૩ પોઝિશન (૩પી)માં શાનદાર પ્રદર્શન કરી ભારતને ચોથો ગોલ્ડ અપાવ્યો હતો. શેરોન ચોથા ઍવા યુવા ભારતીય શૂટર બન્યા છે જેમણે આઈઍસઍસઍફવર્લ્ડ કપમાં પહેલી વખત ભાગ લેતાં મેડલ જીત્યો હોય.
આ ટૂર્નામેન્ટમાં ભારત હવે ૪ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૪ બ્રોન્જ (કુલ ૯) મેડલ સાથે ટોચ પર બનેલું છે. શેરોને જીતેલા ગોલ્ડ બાદ હવે ખાતરી થઈ ગઈ છે કે ભારત આઈઍસઍસઍફ વર્લ્ડ કપમાં પ્રથમ વખત ટોચનું સ્થાન મેળવવામાં સફળ થશે.
૨૨ વર્ષીય શેરોને ૫૦ મીટર રાયફલ ૩ પોઝિશનમાં કુલ ૪૫૫.૬ અંક મેળવ્યાં હતાં જ્યારે ઓસ્ટ્રીયાના બેર્નહાર્ડ પીક્લઍ ૪૫૨ અંક સાથે બીજું સ્થાન મેળવ્યું હતું.
આ પહેલાં ક્વાલીફાઈંગ રાઉન્ડમાં ત્રણેય ભારતીય શૂટર શેરોન, યુવા શૂટર સ્વપનિલ કુસાલે, અનુભવી સંજીવ રાજપૂતે અંતિમ ૮માં સ્થાન મેળવવામાં સફળ થયાં હતાં. સ્વપનિલનો પણ આ પ્રથમ વર્લ્ડ કપ છે. જો કે શેરોન સિવાયના બીજા કોઈ ભારતીય શૂટર પદક જીતી શકયા ન હતાં.
દરમિયાન મનુ ભાકેરે મહિલા ૨૫ ઍમ પિસ્તોલ ફાઈનલમાં ક્વાલીફાઈ કરી લીધું છે.

  • Related Posts