વૈશ્વિક નબળા સંકેતોના પગલે ભારતીય શેરબજારની રીકવરી ધોવાઇ ગઇ : સેન્સેક્ષ ૪૦૦ પોઇન્ટ તુટયો

બજેટ બાદ ગઇકાલે પ્રથમ દિવસ ગ્રીન ઝોનમાં રહેલું શેરબજારને ફરી ઍકવાર અમેરિકાનું ગ્રહણ લાગ્યુું હતું અને અમેરિકન બજારોની પાછળ વૈશ્વિક બજારોમાં મોટો કડાકો આવી જતાં અને વૈશ્વિક સેન્ટીમેન્ટ ખરાડાઇ જતાં તેની સીધી અસર ભારતીય શેરબજાર ઉપર જોવા મળી હતી. આજે અમેરિકામાં વ્યાજદર વધારવાની ભીતિઍ ભારતીય શેરબજારમાં બેન્કીગ, ફાઇનાન્સ અને ટેલીકોમ શેરોમાં જોરદાર કડાકો બોલાયો હતો જોકે, મેટલ શેરોમાં સુધારો નોંધાયો હતો. બીજી તરફ, મિડકેપ તથા સ્મોલકેપ શેરોમાં આ ઘટાડાની અસર નહીંવત જોવા મળી હતી અને નજીવો ઘટાડો જોવા મળ્યો હતો.
વૈશ્વિક બજારોના કડાકાની પાછળ ભારતીય શેરબજાર પણ શરૂઆત નબળી થઇ હતી અને સેન્સેક્ષ ૫૦૦ પોઇન્ટ સુધી તુટી ગયો હતો, જેના લીધે રોકાણકારોના બે લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. જેમાં ખાસ કરીને ઍચડીઍફસી, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઍચડીઍફસી બેન્ક, ઍકસીસ બેન્ક, આઇટીસી, ટીસીઍસ અને લાર્સન જેવા હેવીવેઇટ શેરો ગગડયા હતા. જોકે, ટીસીઍસમાં બજારના અંત સુધીમાં રીકવરી જોવા મળી હતી.
ઍચડીઍફસી, ઇન્ફોસીસ તથા પ્રાઇવેટ બેન્કો પાછળ સેન્સેક્ષ ૪૦૭ પોઇન્ટ તુટયો, નિફટી ૧૦૪૫૦ ઉપર
વૈશ્વિક બજારોની પાછળ આવેલા જોરદાર કડાકાથી ભારતીય શેરબજાર ૩૪૦૦૦ પોઇન્ટની સપાટી પર પહોંચી ગયું છે. જોકે, આજે પણ મનોવૈજ્ઞાનિક સપાટી ૩૪૦૦૦ પોઇન્ટને ટકાવી રાખી હતી. જ્યારે નિફટી ૧૦૪૫૦ની ઉપર બંધ રહયો હતો. બીઍસઇ ખાતે સેન્સેક્ષ ૪૦૭.૪૦ પોઇન્ટ ઍટલે કે ૧.૧૮ પોઇન્ટ તુટીને ૩૪૦૦૫.૭૬ પોઇન્ટનો પાચ સપ્તાહની નીચી સપાટીઍ સરકી ગયો હતો. જ્યારે ઇન્ટ્રાડેમાં ૫૬૩.૫૧ પોઇન્ટ તુટયો હતો. જ્યારે ઉંચામાં ૩૪૨.૪૩ પોઇન્ટનો જોવાયો હતો. જ્યારે નિફટી ૧૨૧.૯૦ પોઇન્ટ ઍટલે કે ૧.૧૫ ટકા તુટીને ૧૦૪૫૪.૯૫ પોઇન્ટનો બંધ રહયો હતો. આજે નીચામાં ૧૭૮.૬૫ પોઇન્ટ તુટયો હતો. જ્યારે ઉંચામાં ૯૬.૬૫ પોઇન્ટ ઘટયો હતો.
સેકટર વાઇઝ જોઇઍ તો બીઍસઇ ફાઇનાન્સ ઇન્ડેક્ષ ૧.૫૪ ટકા, બેન્કેક્ષ ૧.૭૫ ટકા તુટયા હતા. જ્યારે હેલ્થકેર ઇન્ડેક્ષ ૦.૦૨ ટકા, મેટલ ઇન્ડેક્ષ ૧.૭૫ ટકા અને રિયલ્ટી ઇન્ડેક્ષ ૦.૫૬ ટકા વધ્યો હતો.
મિડકેપ-સ્મોલકેપ શેરોમાં નીચાસ્તરેથી ખરીદી ચાલુ રહેતાં સામસામી રાહ : માર્કેટ બ્રેડથ પોઝીટીવ
વૈશ્વિક ખરાબ સંકેતો હોવા છતાં બીઍસઇ ખાતે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં મોટી અસર જોવા મળી નહતી અને મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં નીચા મથાળેથી લેવાલી ચાલુ રહી હતી. જેના પગલે બીઍસઇ મિડકેપ ઇન્ડેક્ષ ૦.૦૯ ટકા નજીવો ઘટયો હતો. નિફટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્ષ સુધર્યો હતો, જેમાં ૦.૨૫ ટકાની વૃદ્ઘિ જોવા મળી હતી. જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્ષ ૦.૨૩ ટકા વધ્યો હતો. આજે ખાસ કરીને લાર્જકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવાયું હતું. જોકે, આજે માર્કેટ બ્રેડથ પોઝીટીવ રહયું હતું. બીઍસઇ ખાતે ૧૪૨૮ શેરોમાં સુધારો અને ૧૩૪૮ શેરોમા ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ૧૩૪ શેરો યથાવત રહયા હતા. બીઍસઇ ખાતે ટર્નઓવર કડાકાના લીધે ઘટી ગયું હતું અને કુલ ટર્નઓવર રૂ. ૪૦૨૬.૯૫ કરોડનું થયું હતું, જે ગત સેસન્સમાં રૂ. ૫૫૫૮.૦૨ કરોડનું હતું.
આજના કારોબારના દિવસ દરમ્યાન આગેવાન શેરોમાં યસ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, ભારતી ઇન્ફ્રાટેલ, ઇન્ફોસીસ, ઍચડીઍફસી, ટેક મહિન્દ્રા ્ને કોટક મહિન્દ્રા ૧.૮ ટકાથી ૨.૮ ટકા સુધી ઘટયા હતા. જ્યારે ઍચસીઍલ ટેકનો, તાતા સ્ટીલ, સીપલા, લ્યુપીન, ડો. રેડ્ડીઝ, ઍશિયન પેઇન્ટસ, ઍચયુઍલ અને ટીસીઍસ ૦.૨ ટકાથી ૨.૧ ટકા સુધી વધ્યા હતા. મિડકેપ શેરોમા ગ્લેનમાર્ક, ઓબેરોય રીયલ્ટી, સન ટીવી, પીરામલ ઍન્ટરપ્રાઇઝ અને ઇમામી ૨.૪ ટકાથી ૭.૪ ટકા સુધી તુટયા હતા. જ્યારે સેઇલ, આરપાવર, રિલા. કેપીટલ, ટોરેન્ટ ફાર્મા અને પેજ ઇન્ડ. ૩.૯ ટકાથી ૯.૧ ટકા સુધી વધ્યા હતા. સ્મોલકેપ શેરોમાં અજમેરા રીયલ્ટી, અરિહંત સુપરસ્ટ્રકચર, હિન્દુજા ગ્લોબલ, ઍપીઍલ અપોલો અને ફીનીક્સ મીલ ૫.૭ ટકાથી ૧૩.૨ ટકા સુધી તુટયા હતા. જ્યાયે હોટલ લીલા, બીઍફ ઇન્વેસ્ટમેન્ટ, ફોર્ટીસ હેલ્થ, સોરીલ ઇન્ફ્રા અને મર્ક ઇલે. ૧૦ ટકાથી ૧૯.૯ ટકા સુધી ઉછળ્યા હતા.
ફોર્ટીસ હેલ્થકેરના ફાઉન્ડરે રાજીનામું આપતાં શેરમાં જોરદાર ઉછાળો
ફોર્ટીસ હેલ્થકેરના ફાઉન્ડર માલવિંદરસિંહ ્ને તેમના ભાઇ શિવેન્દરસિંહ મોહને કંપનીના બોર્ડમાંથી ગઇકાલે રાજીનામું આપ્યું હતું અને તેની માહિતી બીઍસઇને મોકલી આપવામાં આવી હતી. આ બંને ફાઉન્ડરો દ્વારા અન્ય કંપનીમાં નાણાં ટ્રાન્સફર કર્યાનો આક્ષેપ હતો. જેના રાજીનામાંથી આજે ફોર્ટીસમાં જબરજસ્ત કરન્ટ આવ્યો હતો અને ગૂરવારે રૂ. ૧૨૬ના ભાવે ટ્રેડ કરતો હતો, તેમાં જબરજસ્ત ઉછાળો આવ્યો હતો અને ૨૫ ટકા ઉછળીને રૂ. ૧૫૭ પર પહોંચ્યો હતો, અતે રૂ. ૧૪૬.૭૫નો ભાવ બોલાતો હતો.
પીઍસયુ બેન્કોમાં મિશ્ર વલણ, પ્રાઇવેટ બેન્ક તુટી : ટેલીકોમ શેરોમાં કડાકો
બેન્ક શેરોમાં આજે શરૂઆતમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. ઍકંદરે મિશ્ર વલણ રહયું હતું. પીઍસયુ બેન્કોમાં આઇડીબીઆઇ બેન્ક ૨.૨ ટકા, યુનીયન બેન્ક ૦.૬૮ ટકા, બેન્ક ઓફ બરોડા ૦.૧૬ ટકા અને ઇન્ડીયન બેન્ક ૦.૧૯ ટકા વધ્યા હતા. જ્યારે સ્ટેટ બેન્ક ૧.૬૮ ટકા, પંજાબ નેશનલ બેન્ક ૧.૫૭ ટકા, બેન્ક ઓફ ઇન્ડીયા ૦.૧૪ ટકા અને કોર્પોરેશન બેન્ક ૦.૫૫ ટકા ઘટયા હતા. પ્રાઇવેટ બેન્કો તુટી હતી. જેમા યસ બેન્ક ૨.૮૪ ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક ૨.૩૩ ટકા, કોટક મહિન્દ્રા બેન્ક ૧.૮૧ ટકા, ઍકસીસ બેન્ક ૧.૯૩ ટકા અને ઍચડીઍફસી બેન્ક ૧.૪૬ ટકા તેમજ ઇન્ડુસઇન્ડ બેન્ક ૧.૧ ટકા ઘટયો હતો.
આજે ટેલીકોમ શેરોમાં નરમાઇનો માહોલ જોવાયો હતો, જેમાં ટાવર પ્રોવાઇડર ભારતી ઇન્ફ્રાટેલ ૨.૩૧ ટકા, આઇડીયા ૨.૨૮ ટકા અને ભારતી ઍરટેલ ૧.૧૯ ટકા ઘટી હતી. જ્યારે રિલા. કેપીટલના સારા પરિણામોની અસર ઍડીઍજી ગ્રુપ પર પોઝીટીવ રહી હતી અને આરકોમ ૧.૫૧ ટકા વધ્યો હતો. આગેવાન શેરોમાં ઍચડીઍફસી ૨.૦૩ ટકા તુટીને રૂ. ૧૭૭૫ અને ઇન્ફોસીસ ૧.૯૪ ટકા તુટીને રૂ. ૧૧૧૨.૫૦નો ભાવ બોલાયો હતો. જ્યારે ઍચપીસીઍલના પરિણામો અપેક્ષિત નહીં આવતા ૧.૮૭ ટકા તુટીને રૂ. ૩૯૩નો ભાવ બોલાયો હતો.
ફોર્ટીસની આગેવાની હેઠળ રિલા. નેવલ, સેઇલ, આરપાવર તથા ઇન્ડીયાબુલ્સ રીયલ ટોપ ગેઇનર્સ
ફોર્ટીસ હેલ્થકેરની આગેવાની હેઠળ ઍ ગ્રુપમાં રિલાયન્સ નેવલ, સેઇલ, આરપાવર અને ઇન્ડીયાબુલ્સ રીયલ ઍસ્ટેટ ટોપ ગેઇનર્સ બન્યા હતા. બીઍસઇ ખાતે ફોર્ટીસમાં ૮૫.૦૧ લાખ શેરોના કામકાજ સાથે ૧૬.૩૮ ટકાના ઉછાળા સાથે રૂ ૧૪૬.૭૫, રિલાયન્સ નેવલમાં ૧૫.૮૫ લાખ શેરોના કામકાજ સાથે ૮.૯૧ ટકા ઉછળીને રૂ. ૪૧.૫૫, સેઇલમાં ૩૬.૧૫ લાખ શેરોના કામકાજ સાથે ૮.૭૧ ટકા ઉછળીને રૂ. ૯૩.૬૦, આરપાવર ૨૪.૧૮ લાખ શેરોના કામકાજ સાથે ૮.૫૨ ટકા ઉછળીને રૂ. ૪૫.૮૫ અને ઇન્ડીયાબુલ્સ રિયલ ઍસ્ટેટમાં ૨૦.૫૧ લાખ શેરોના કામકાજ સાથે ૭.૯૮ ટકા ઉછળીને રૂ. ૨૩૦નો ભાવ બોલાયો હતો.
બીઍસઇ ખાતે શારદા ક્રોપકેમ, ગ્લેનમાર્ક ફાર્મા, ફોર્ટીસ, તાતા ઍલેકસી, ભારત ફોર્જના કાઉન્ટરોમાં ધુમ કામકાજ થયા છે. જેમાં શારદા ક્રોપકેમમાં ૧૬.૬૪ ગણા ઍટલે કે ૩.૭૩ લાખ શેરોના કામકાજ સાથે ૦.૦૫ ટકા તુટીને રૂ. ૩૯૫, ગ્લેનમાર્કમાં ૪.૭૮ ગણા વધીને ૩.૪ લાખ શેરોના કામકાજ સાથે ૭.૨૭ ટકા તુટીને રૂ. ૫૩૬, ફોર્ટીસમાં ૩.૦૪ ગણા ઍટલે કે ૪૬.૧૭ લાખ શેરોના કમકાજ સાથે ૧૦.૬ ટકા વધીને રૂ. ૧૩૯.૫૦, તાતા ઍલેકસીમાં ૩.૦૪ ગણા ઍટલે કે ૧.૮૬ લાખ શેરોના કામકાજ સાથે ૯ ટકા ઘટીને રૂ. ૯૮૫.૮ અને ભારત ફોર્જ ૧.૬૬ ગણા ઍટલે કે ૧.૪ લાખ શેરોના કામકાજ સાથે ૦.૭૮ ટકા વધીને રૂ. ૭૬૬.૬૫નો ભાવ બોલાયો હતો.
અમેરિકન બજારોની પાાછળ ઍશિયન-યુરોપીયન બજારો ધરાશાયી
વૈશ્વિક સ્તરે અમેરિકન બજારોની પાછળ ઍશિયન અને યુરોપીયન બજારોમાં ધોવાણ જોવાયું હતું. યુરોપીયન બજારોમાં બેન્ક ઓફ ઇગ્લેન્ડ દ્વારા ક્રેડીટ પોલીસીની બેઠક આવતીકાલે મળનારી છે, જેમાં ફુગાવાના દર પર રોકાણકારોની નજર છે, તેમજ વ્યાજદરમાં વધારો સુચવવામાં આવે છે કે નહીં તેના પર બજારની ચાલ નક્કી થશે. આજે અમેરિકન બજારોમાં વ્યાજદર વધવાના સંકેતોના પગલે કડાકો બોલાયો હતો અને તેના પગલે અન્ય વૈશ્વિક બજારોમાં પણ જોરદાર કડાકો બોલાયો હતો.
બીજી તરફ, અમેરિકાના લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા જોબલેસ કલેઇમમાં ઘટાડો નોંધાયો છે, જેની સીધી અસર કંપનીઓ ઉપર પડશે અને કંપનીઓના વેતનમાં વૃદ્ઘિ ૨.૯ ટકા નોંધાઇ છે, જેની પણ બજારના સેન્ટીમેન્ટ પર અસર પડશે. આમ, સતત બીજા સપ્તાહમાં જોબ કલેઇમમાં ઘટાડો થવા છતાં વોલસ્ટ્રીટ કકડભૂસ થઇ ગઇ હતી.
ઍશિયન બજારોમાં નીક્કી ૨.૩૮ ટકા, સ્ટે્રઇટસ ૧.૧૪ ટકા, હેંગસેંગ ૩.૨૦ ટકા, તાઇવાન ૧.૫૧ ટકા, કોસ્પી ૧.૮૬ ટકા અને શાંઘાઇ ૪.૧૯ ટકા તુટયા હતા. જ્યારે યુરોપીયન બજારોમાં ઍફટીઍસઇ ૦.૧૫ ટકા, કેક ૦.૩૫ ટકા અને ડેક્સ ૦.૨૨ ટકા ઘટયા હતા. આ તમામ બજારો અમેરિકન બજારોમાં પાંચ ટકા સુધીના કડાકાથી તુટયા હતા.

  • Related Posts