લોકો પાર્કિંગ પરમિટ લઈને હવે ઘર કે ઓફિસ નજીક રસ્તા પર વાહનો પાર્ક કરી શકશે

  • 45
    Shares

સુરત : સુરત શહેરની સૌથી મોટી સમસ્યા ટ્રાફિક અને પાર્કીગની છે. શહેરને અજગર ભરડામાં લેતી આ સમસ્યા પર કાબુ મેળવવા માટે સુરત મનપાઍ નવી પાર્કીગ પોલીસી બનાવી છે. જેને હજુ સુધી રાજય સરકારે મંજુરી આપી નથી પરંતુ સરકારની મંજુરીની અપેક્ષાઍ આ પોલીસીના ભાગ રૂપે શહેરીજનોને પોતાના ઘર કે ઓફીસની નજીકમાં રસ્તા પર પોતાનું વાહન પાર્ક કરવા માટે ‘પાર્કિંગ પરમિટ’ ઇસ્યુ કરવા અંગે નિર્ણય લેવા અને તેના માટે અમુક વિસ્તારમાં પ્રાયોગિક ધોરણે અમલ કરવાની મંજુરી માંગતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં મુકવામાં આવી છે.

વિસ્તૃત વિગતો મુજબ શહેરમાં ઘણા લોકો ઍવા છે જેની પાસે વાહન છે પરંતુ તેને પાર્ક કરવા માટે કોઇ સગવડ નથી. તેથી તે પોતાનું વાહન ઘરની નજીક રસ્તા પર કે ઓફીસની નજીક જયાં જગ્યા મળે ત્યા પોતાના જોખમે પાર્ક કરે છે. આવી જગ્યાઍ વાહનો પાર્ક થતા હોવાથી ટ્રાફિકની સમસ્યા થાય છે. ઉપરાંત ટ્રાફિક પોલીસ આવા વાહનો સામે કાર્યવાહી કરે તેવું જોખમ પણ વાહન ચાલક પર રહે છે. તેથી મનપાની નવી પાર્કિંગ પોલિસીમાં ‘પાર્કિંગ પરમિટ’ની વ્યવસ્થા કરવામાં આવી છે.

જેના અંતર્ગત લોકો પોતાના ઘરની નજીક કે ઓફીસની નજીક ટ્રાફિકને અડચણ રૂપ નહી થાય તે રીતે જગ્યા હોય તો ત્યાં જ પોતાનું વાહન પાર્ક કરવા માટે પરમિટ મેળવીને નિશ્ચિંત થઈ શકે છે. પરમિટ હોવાથી જગ્યા મળશે કે નહી તેની અનિશ્ચિતતામાંથી છુટકારો મળશે. તેમજ કાયદાનો ભંગ પણ નહી થાય. જો કે તેના માટે મનપા દ્વારા નક્કી થયેલી પરમિટ ફી ચૂકવવાની રહેશે.

  • Related Posts