રોમાંચક મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સુપરકિંગ્સને ૪ રન હરાવ્યું

મોહાલી : આજે અહીં રમાયેલી કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચેની રોમાંચક મેચમાં પંજાબે ચેન્નઇને ૪ રને હરાવ્યું હતું. ચેન્નઇની આ સિઝનમાં ૩ મેચોમાં આ પ્રથમ હાર છે. આ પહેલા બંને મેચ સીઍસકે જીત્યું હતું. આજની મેચમાં કેપ્ટન ધોની૭૯ રનની ઇનિંગ રમી પણ તે પોતાની ટીમને વિજેતા બનાવી શક્યો નહોતો. અંતિમ ઓવરમાં વિજય માટે ચેન્નઇને ૧૭ રનની જરૂર હતી પણ માત્ર ૧૩ રન બન્યા હતા.

પંજાબે મુકેલા ૧૯૮ રનના લક્ષ્યાંક સામે ચેન્નઇની ટીમે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૩ રન બનાવ્યા હતા. ધોનીઍ ૪૪ બોલમાં ૭૯ રનની જોરદાર ઇનિંગ રમી હતી, જેમાં ૬ ચોગ્ગા અને પાંચ છગ્ગા તેણે ફટકાર્યા હતા. તેણે રવિન્દ્ર જાડેજા સાથે મળીને પાંચમી વિકેટની ભાગીદારીમાં ૩૧ બોલમાં ૫૦ રન ઉમેર્યા હતા. ચેન્નઇ તરફથી અંબાતી રાયડુઍ પણ જોરદાર ઇનિંગ રમીને ૩૫ બોલમાં ૪૯ રન બનાવ્યા હતા.

આ પહેલા પંજાબની ટીમે પ્રથમ દાવ લઇને ઓપનર ક્રિસ ગેલની અર્ધસદીની મદદથી ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૯૭ રન બનાવ્યા હતા. ગેલ સિવાય કેઍલ રાહુલે ૩૭, મયંક અગ્રવાલે ૩૦ અને કરુણ નાયરે ૨૯ રન બનાવ્યા હતા.

  • Related Posts