રેલવેના વડોદરા આખા ડિવિઝનના ૩૩૧ કરોડની સામે માત્ર એકલા સુરત રેલવે સ્ટેશનની આવક જ ૩૫૩ કરોડ!

  • 446
    Shares

 

સુરત : સુરતને વેસ્ટર્ન રેલવેનું ડિવિઝન આપવામાં સતત અન્યાય થઇ રહ્યો છે. તેના પુરાવા ખુદ વેસ્ટર્ન રેલવેએ ડિવિઝન  અને સ્ટેશન પ્રમાણે બહાર પાડેલા આંકડાઓમાંથી જણાઇ આવે છે. આરટીઆઇ કાર્યકર રાજેશ મોદીને પાઠવવામાં આવેલા જવાબમાં રેલવેએ પોતે સ્વીકાર્યુ છે કે વડોદરા, રાજકોટ, ભાવનગર વેસ્ટર્ન રેલવેના ડિવિઝન હોવા છતા આવકમાં સુરત માત્ર સ્ટેશન હોવા છતા ત્રણેયને પછાડયા છે. આવકના આંકડા બતાવે છે કે સુરતને વેસ્ટર્ન રેલવેનું ડિવિઝન મળવું જ જોઇએ. રેલવેના વડોદરા આખા ડિવિઝનની વાર્ષિક આવક ૩૩૧ કરોડ તેની સામે સુરત સ્ટેશનની આવક ૩૫૩ કરોડ પર પહોંચી છે.

નાણાકિય વર્ષ ૨૦૧૬-૧૭માં રેલવેના વડોદરા ડિવિઝનની કુલ આવક ૩૦૭ કરોડ હતી. તેની સામે સુરત સ્ટેશનની આવક ૩૩૩ કરોડ હતી. નાણાકિય વર્ષ ૨૦૧૭-૧૮માં વડોદરા ડિવિઝનની આવક ૩૩૧ કરોડ હતી. જયારે તેની સામે સુરત રેલવે સ્ટેશનની આïવક ૩૫૩ કરોડ રહી હતી. રેલવેના એક ડિવિઝન માં વિસ્તાર પ્રમાણે અડધો ડઝનથી વધુ સ્ટેશનો આવે છે. તેની સામે એક માત્ર સુરત સ્ટેશનની આવક વધુ જણાઇ છે. રાજકોટ ડિવિઝનની આવક ૨૦૧૬-૧૭માં ૨૦૯ કરોડ હતી. ૨૦૧૭-૧૮માં ૨૧૩ કરોડ થઇ હતી. ભાવનગર ડિવિઝનની આવક ૨૦૧૬-૧૭માં ૯૧ કરોડ હતી. જે ૨૦૧૭-૧૮માં ૧૦૩ કરોડ થઇ હતી. રાજકોટ અને ભાવનગર ડિવિઝનોની આવક ભેગી કરવામાં આવે તો પણ સુરત સ્ટેશનની આવક વધુ જણાઇ આવે છે.

 

મુંબઇ ડિવિઝન માંથી સુરતને અલાયદૂ ડિવિઝન  આપવામાં આવે તો આવકમાં મુંબઇ, અમદાવાદ પછી સુરત ત્રીજા ક્રમે આવી શકે

સુરત વેસ્ટર્ન રેલવેના મુંબઇ ડિવિઝન માં આવે છે. તે ડિવિઝન ની ૨૦૧૬-૧૭ની કુલ આવક ૧૭૧૪ કરોડ હતી. જે ૨૦૧૭-૧૮માં વધીને ૧૯૪૬ કરોડ થઇ છે. આ આવકનો મોટો આંકડો દર્શાવે છે કે મુંબઇ ડિવિઝન નો વિસ્તાર ખુબ મોટો છે. જો મુંબઇ સેન્ટ્રલ ડિવિઝન  અને સુરત ડિવિઝન  છુટા પાડવામાં આવે તો ગુજરાતની હદમાં અમદાવાદ પછી સૌથી વધુ ડિવિઝન ની આવક સુરતની થઇ શકે છે. અમદાવાદ ડિવિઝન પણ વિસ્તારની દ્રષ્ટિએ મોટુ ડિવિઝન છે. તે જોતા તેની આવક વધુ છે. જો રેલવે દ્વારા ઉમરગામથી કોસંબા સુધી અને ઉધનાથી ભુસાવલ ડિïવિઝન પહેલાનો ભાગ સુરત ડિવિઝનના કાર્યક્ષેત્રમાં લેવામાં આવે તો આવકની દ્રષ્ટિએ સુરતનું આ સુચિત ડિવિઝન  અમદાવાદ અને રતલામ ડિવિઝન ને આવકમાં ટક્કર આપી શકે તેમ છે.

 

સુરત ડિવિઝન  માટે હકદાર છે પણ રેલવે માટે નવા ડિવિઝન બનાવવા પ્રાયોરિટી પર નથી

તમામ સાંસદોએ સુરત સ્ટેશનની આવકના આંકડા વેસ્ટર્ન રેલવેના કેટલાક ડિવિઝનની કુલ આવક કરતા વધુ હોવાની રજુઆત રેલવેમાં ઉચ્ચ લેવલ સુધી કરી હતી. પરંતુ રેલવેની પ્રાયોરીટી હાલ ગેજ બદલવાની છે અને રેલવેને લગતી પેસેન્જર સુવિધાઓ વધારવાની છે. નવા ડિવિઝન ઉભા કરવાની પ્રાયોરીટી રેલવેની નથી. એકવાર ગેજ બદલવા અને પેસેન્જર સુવિધાઓને લગતા પ્રશ્નો હલ થશે ત્યારે નેશનલ પોલીસી હેઠળ દેશમાં કેટલાક ડિવિઝન ઉભા કરાશે.  – દર્શના જરદોશ, સાંસદ, સુરત

 

રેલવે લાઇન અને ટ્રેનના કોચની સ્થિતિ સુધારવાની રેલવેની પહેલી પ્રાયોરીટી છે

રેલવે બોર્ડની પ્રાયોરીટી વર્તમાન રેલવે સેવાઓની સ્થિતિ જોતા નવા ડિવિઝનો ઉભા કરવાની જણાતી નથી. રેલવેની અત્યારે પ્રારંભીક પ્રાયોરીટી રેલવે લાઇન અને ટ્રેનના કોચની સ્થિતિ સુધારવાની રેલવેની પહેલી પ્રાયોરીટી છે. રેલવે નવા ડિવિઝન  બનાવવા માટેની પોલીસી તૈયાર કરે તે પહેલા સૌથી પહેલી માંગ સુરતે ડિવિઝન બનાવવાની કરી છે. આ માંગ વેસ્ટર્ન રેલવેમાં પેન્ડીંગ છે. વેસ્ટર્ન રેલવેમાં નવું ડિવિઝન મુંબઇમાંથી વિભાજીત થઇને સુરત બની શકે તેમ છે.  – સી. આર. પાટીલ, સાંસદ, નવસારી લોકસભા

 

ડિવિઝન  પ્રમાણે વાર્ષિક આવક

ડિવિઝન નું નામ                  ૨૦૧૭-૧૮ની આવક

મુંબઇ                              ૧૯૬૬ કરોડ

અમદાવાદ                      ૯૬૫ કરોડ

વડોદરા                         ૩૩૧ કરોડ

રાજકોટ                        ૨૩૧.૧ કરોડ

ભાવનગર              ૧૦૩ કરોડ

સુરત સ્ટેશન            ૩૫૩ કરોડ

 

રેલવે સ્ટેશન પ્રમાણે વાર્ષિક આવક

સ્ટેશન                          ૨૦૧૭-૧૮ની આવક

અમદાવાદ                   ૭૬૬ કરોડ

સુરત                           ૩૫૩ કરોડ

વડોદરા                       ૨૫૭ કરોડ

રાજકોટ                        ૧૦૧ કરોડ

ભાવનગર                      ૧૭ કરોડ

 

 

  • Related Posts