રાશિદ ખાનના પંજાની મદદથી અફઘાનિસ્તાને ઝીમ્બાબ્વેને ૬ વિકેટે પછાડ્યું

યુવા સ્પીન જોડી રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાનના જોરદાર પ્રદર્શનના જોરે અફઘાનિસ્તાને રમાયેલી ત્રીજી વનડેમાં ઝીમ્બાબ્વે સામે ૬ વિકેટે વિજય મેળવ્યો હતો. રાશિદ ખાને પાંચ જ્યારે મુજીબ ઉર રહેમાને ૩ વિકેટ ઉપાડી હતી અને તેના કારણે અફઘાનિસ્તાને પાંચ વનડેની સિરીઝમાં ૨-૧ની સરસાઇ મેળવી લીધી છે. આજના આ વિજય સાથે અફઘાનિસ્તાન ઝીમ્બાબ્વેને ઓવરટેક કરીને રેન્કિંગમાં ૧૦માં સ્થાને પહોંચી ગયું છે.
ઝીમ્બાબ્વેની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જો કે તેના બેટ્સમેનોઍ નિરાશાજનક પ્રદર્શન કરતાં આ નિર્ણય ખોટો પુરવાર થયો હતો અને તેની સમગ્ર ટીમ ૩૪.૩ ઓવરમાં જ ૧૫૪ રને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઝીમ્બાબ્વે વતી ક્રેગ ઇરવિને સૌથી વધુ ૩૯ રન બનાવ્યા હતા, જ્યારે સિકંદર રજાઍ ૩૮ રનનો ફાળો આપ્યો હતો. ચોથી વિકેટ માટે તેમની ૭૪ રનની ભાગીદારી તૂટી તેની સાથે જ ઝિમ્બાબ્વેની ઇનિંગ લથડી હતી, રાશિદ ખાનના સ્પિન સામે ઝિમ્બાબ્વે પાસે કોઇ જવાબ નહોતો. તેણે ૨૪ રનમાં પાંચ વિકેટ ઉપાડી હતી. રહમાને તેના આદર્શ સહયોગીની ભૂમિકા ભજવીને ૩ વિકેટ ઉપાડી હતી. ૧૫૫ રનના નજીવા લક્ષ્યાંકને અફઘાનિસ્તાનની ટીમે ૨૭.૩ ઓવરમાં ૪ વિકેટના ભોગે કબજે કરી લીધો હતો. ટીમ તરફથી રહમત શાહે ૫૬ અને નાસિર જમાલે ૫૧ રનની ઇનિંગ રમીને વિજય નિર્ધારિત કર્યો હતો.
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts