રામાયણનો એક પ્રસંગ આવો : રામાયણકાળમા પણ વિધવા સ્ત્રી પુનર્લગ્ન કરી શકતી હતી

  • 27
    Shares

રામ અને લક્ષ્મણના આક્રોશને જાયા-સાંભળ્યા પછી સુગ્રીવ ફરી કૃતજ્ઞતા દાખવે છે. બધા જ પ્રાચીન ગ્રંથોમાં કૃતઘ્નતાને બહુ મોટો દુર્ગુણ માનવામાં આવ્યો છે. ઍટલે કૃતઘ્ન બનેલા સુગ્રીવને પાછો કૃતજ્ઞ બનાવવો જ પડે. પરંતુ સ્ત્રી પોતાના પતિની નિંદા સાંભળી શકતી નથી. પતિની ભૂલો થઇ હોય તો પણ તે આંખ આડા કાન કરશે. વાલીની પત્ની તારા વિધવા બન્યા પછી સુગ્રીવની પત્ની બની હતી. ઍ સમયે આ પ્રકારે વિધવાઓ પુનર્લગ્ન કરી શકતી હતી. આજે પણ આપણે ત્યાં જેઠવટુ કે દિયરવટુ કરવાનો રિવાજ ચાલી આવે છે. ઋગ્વેદના ઍક સૂક્તમાં તો સતી થવા નીકળેલી સ્ત્રીને ઍવું કરવાને બદલે સંસારમાં પાછી બોલાવવામાં આવે છે. પણ મધ્યકાળમાં આપણો સમાજમાં બહુ ખખડી ગયો હતો. સાહિત્ય કૃતિઓમાં પણ વિધવા વિવાહને ઉત્તેજન આપવામાં આવતું ન હતું. નંદશંકર મહેતાની નવલકથા ‘કરણ ઘેલો’માં નાયિકા સતી થતી વખતે કેટલો બધો ઉપદેશ આપે છે! ગોવર્ધનરામ ત્રિપાઠી ‘સરસ્વતીચંદ્ર’માં કયા વિધવા કુમુદનું પુનર્લગ્ન કરાવી શક્યા હતા. હા- રમણભાઇ નીલકંઠ ‘રાઇનો પર્વત’માં બાળવિધવાનું લગ્ન નાયક સાથે કરાવીને સુધારક તરીકેનો પોતાનો પાઠ બરાબર ભજવી બતાવે છે.

હા, આપણે વાત તારાની કરતા હતા. સુગ્રીવની કૃતઘ્નતા માટે લક્ષ્મણ સુગ્રીવને કડવા વેણ સંભળાવે છે. લક્ષ્મણની ફરિયાદ સાચી હોવા છતાં તારા ઍ માટે લક્ષ્મણને ઠપકો આપે છે. તમારા મોઢે આવાં વાક્યો શોભતાં નથી અને સુગ્રીવ પણ આવા ઠપકાથી દુઃખી થાય. પછી તારા પુરાણકાળનું દૃષ્ટાંત આપે છે. વિશ્વામિત્ર જેવા ઋષિ પણ ધૃતાચી નામની અપ્સરા સાથે દસ વરસ વિહાર કર્યો તો પણ ઍવા દીર્ઘ સમયને જાણ્યો ન હતો. આવાં દૃષ્ટાંતો આપીને થઇ ગયેલી ભૂલોને છાવરવાની ઍક પરંપરા છે. ઉપરાંત ઝાઝુ બોલ્યા વિના ઍક વાસ્તવિકતા તરફ તારા ઇશારો કરે છે. સુગ્રીવની પત્ની રૂમાને વાલી ઉપાડી ગયો. સુગ્રીવના દેહધર્મનું શું? સ્ત્રી વિનાનો સુગ્રીવ ત્યાર પછી રૂમા અને તારા સાથેના વિહારમાં રામે કરેલા ઉપકારને ભૂલી ગયો હોય તો ઍમાં આશ્ચર્ય શાનું? ઍટલે તે સુગ્રીવની ભારોભાર પ્રશંસા કરે છે. રામચંદ્ર માટે તો રૂમાને, મને, અંગદને પણ ત્યજી દે ઍવી પ્રકૃતિ ધરાવે છે.

તારા પણ માને છે કે, સુગ્રીવ રાવણને હણી શકશે. રામ સીતાનો મેળાપ પણ કરાવશે અને સાથે સાથે ઉમેરે પણ છે કે ઍકલા સુગ્રીવથી તો આ કાર્ય થવાનું નથી. રાવણ ઉપરાંત કેટલા બધા રાક્ષસો છે! ઍટલે સંઘબળનું મહત્ત્વનો છે. હા – ક્યારેક અતિમાનુષી શક્તિ ધરાવતા પુરુષોની વાત જુદી. મહાભારતમાં ખાંડવવન દહનની કથા આવે છે. ઍમાં નર-નારાયણના અવતાર સમા અર્જુન અને કૃષ્ણ કોઇનીય મદદ વિના સમગ્ર ખાંડવવનનું દહન કરે છે અને ઇન્દ્ર સમેત બધા જ દેવતાઓને પરાજિત કરીને પોતાનું કાર્ય સિદ્ધ કરે છે. પરંતુ આ રામચંદ્ર છે. રામાયણના આરંભે જ કહેવાયું છે કે, આ માનવી છે. ભલે દેવસદશ ગુણ હોય, તે છતાં ઍ માનવી છે અને કૃષ્ણની જેમ ઍવા કોઇ ચમત્કારો વાલ્મીકિઍ તેમની પાસે કરાવ્યા નથી. ઍટલે વનવાસીઓ, આદિવાસીઓને મિત્ર બનાવ્યા વિના તેમની સહાય વિના રાવણ સામેનો મોરચો માંડી જ ન શકાય. ઍ રીતે સંઘબળની મહત્તા અહીં જોવા મળી.

આમ તારા શક્ય તેટલી રીતે સુગ્રીવનો બચાવ કરે છે અને તેણે સૈન્ય ઍકઠું કરવા માંડયું છે. તેની વિગતો પણ આપે છે. તારા પછી સુગ્રીવ પણ લક્ષ્મણનો ક્રોધ શાંત થાય ઍવી રીતે ક્ષમા યાચે છે. સુગ્રીવને ઍટલી તો પ્રતીતિ છે કે, જા રામચંદ્રને મદદ નહીં કરી શકું તો ભારે આફત આવશે. તારાઍ ભલે કહ્યું હોય કે સુગ્રીવ રાવણનો વધ કરશે પણ સુગ્રીવ ઍવું મિથ્યાભિમાન ધરાવતા નથી. રામચંદ્રના અસામાન્ય બળની પ્રતીતિ તો સુગ્રીવને થઇ જ ચૂકી છે. ઍટલે ‘હું માત્ર રામને સહાયરૂપ થવા તેમની સાથે જઇશ અને ઍથી વિશેષ કશું નહીં.’ આમ સુગ્રીવ અને લક્ષ્મણ વચ્ચે સંધિકરાર થઇ ગયા અને લક્ષ્મણના દેખતાં સુગ્રીવ હનુમાનને આજ્ઞા કરે છે કે, ધરતી પરના બધા વાનરોને ઍકઠા કરો. અહીં આપણે જાઇ શકીઍ છીઍ કે હનુમાનને વાલ્મીકિઍ તો સુગ્રીવના સેવક જ બનાવ્યા છે. પાછળથી હનુમાનના પરાક્રમો કવિ વર્ણવે છે.

તુલસીદાસના રામચરિત માનસ પછી ભારતભરમાં હનુમાનની વિશેષ પ્રતિષ્ઠા થઇ. જુદાં જુદાં જૂથનાં વાનરો કયાં કયાં વરસે છે તેની જાણ લક્ષ્મણને અને કથાના શ્રોતાઓને-વાચકોને થાય છે.  સુગ્રીવ માત્ર ઍટલું જ કહી શક્યા હોત કે બધી દિશાઍથી વાનરોને ઍકઠા કરો. પણ કવિ વિગતપ્રચુર વર્ણન કરે છે. સાથે સાથે જણાવે છે કે વિલાસમાં ડૂબેલા, વિલંબ કરનારાઓને પણ બોલાવી લાવો. સુગ્રીવ પોતાના અનુભવને આધારે પણ આવી વાત તો કરી શકે. ઍટલે હનુમાન સુગ્રીવની ઍ આજ્ઞાને અનુસરવા કેટલાક વાનરોને જણાવે છે – અતિશયોક્તિ કરીને કહેવામાં આવે છે કે, કરોડો વાનરો કિષ્કિન્ધા નગરી તરફ આવવા નીકળી પડયા. કૈલાસ પર્વત પરથી સુગ્રીવને ધરવા માટે ફળફૂલ પણ તેમણે લીધા. હવે લક્ષ્મણ સુગ્રીવને રામ પાસે જવાનું સૂચન કરે છે અને સુગ્રીવ રામને મળવા જાય છે.

  • Related Posts