મહા સત્તાઓની લડાઇમાં ૨૦૧૯માં ક્રુડ ઓઇલ ૧૦૦ ડોલરને કુદાવશે

  • 35
    Shares

આંતરરાષ્ટ્રીય સ્તરે બની રહેલી ઘટનાઓના પગલે ક્રુડના ભાવો આસમાને પહોંચી રહયા છે. ૨૦૧૪માં ક્રુડના ભાવો ૧૦૦ ડોલરને કુદાવી દીધા હતા અને તેની સીધી અસર યુપીઍ સરકારને પડી હતી અને સત્તા ગુમાવવી પડી હતી, ત્યારે ફરી ઍકવાર મહાસત્તાઓની લડાઇ શરૂ થઇ છે અને તેની પાછળ ક્રુડના ભાવો કુદકેને ભુસકે વધી રહયા છે ત્યારે ૨૦૧૯ સુધીમાં ક્રુડના ભાવો ફરીથી ૧૦૦ ડોલરની સપાટી કુદાવી દે તેવા સંકેતો જોવા મળી રહયા છે, ત્યારે આગામી ૨૦૧૯માં લોકસભાની ચુંટણી માટે મોદી સરકારને ક્રુડના ભાવો વિલન બની શકે તો નવાઇ નહીં.

તાજેતરમાં મલેશિયામાં યોજાયેલી ચુંટણીમાં જીઍસટી લાગુ કરનારે સત્તા ગુમાવવી પડી છે, અગાઉ કેનેડામાં પણ જીઍસટી બાદ યોજાયેલી ચુંટણીમાં સત્તાધારી પક્ષને હારનો સામનો કરવો પડયો હતો, ત્યારે ભારતમાં પણ મોદી સરકાર દ્વારા જીઍસટી લાગુ કરવામાં આવ્યું છે, ત્યારે ભારતમાં લોકસભાની ચુંટણીના પરિણામોમાં જીઍસટી ઇફેકટ પડશે કે કેમ તે તો સમય જ બતાવશે. આમ, બે મુદ્દા મોદી સરકાર માટે પડકારસમાન બન્યા છે.

તેની સાથે બીજો ઍક ઇતિહાસ ઍવો છે કે, જે રાજકીય પક્ષ કર્ણાટકામાં ચુંટણીમાં વિજય મેળવે છે તે કેન્દ્રમાં સત્તા ગુમાવે છે. ત્યારે ૧૨મીઍ થયેલા કર્ણાટકા વિધાનસભાની ચુંટણીના મતદાન બાદ ૧૫મીઍ મંગળવારે ચુંટણીના પરિણામો આવશે, જેમાં કોણ જીતે છે* તેને પણ રાજકીય પંડિતો બારીકાઇથી જોઇ રહયા છે.

આ સિવાય મોદી સરકાર માટે સૌથી મોટો પડકાર બેરોજગારીનો મુદ્દો છે. જેને વિપક્ષો ખુબ જ ગંભીરતાથી સરકાર પર પ્રહારો કરી રહી છે અને સરકાર નિષ્ફળ ગઇ હોવાનું જણાવે છે. આમ, મોદી સરકાર માટે અનેક પડકારોની સામે લોકસભાની ચુંટણીમાં ક્રુડનો વધતો જતો ભાવ વિલન સાબિત થઇ શકે તેમ છે.

ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વર્તમાન સમયમાં ઉચ્ચસ્તર પર બોલાઇ રહયા છે. જેમાં આવનારા સમયમાં વધુ મુશ્કેલી સર્જશે. નિષ્ણાંતોના મતે આવનારા વર્ષમાં ક્રુડના આંતરરાષ્ટ્રીય ભાવ ૧૦૦ ડોલરની સપાટી કુદાવી દેશે, ત્યારે ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવો પ્રજાની સાથે સરકારને પણ દઝાડશે.

બેન્ક ઓફ અમેરિકા કોર્પોરેશનના જણાવ્યા અનુસાર વેનેજુઍલા અને ઇરાનમાં ક્રુડના સપ્લાયમાં ઘટાડો થવાના કારણે આ સમસ્યા સર્જાઇ શકે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડનો ભાવ ૭૮ ડોલર પ્રતિ બેરલ પર ચાલી રહયો છે. ત્યારે બેન્ક ઓફ અમેરિકા કોર્પોરેશનના જણાવ્યા અનુસાર ૨૦૧૯ના બીજા કવાર્ટરમાં ક્રુડનો ભાવ ૯૦ ડોલરની સપાટી કુદાવી દેશે. જેમાં મહત્વનું કારણ ક્રુડના ઉત્પાદનમાં ઘટાડો છે.

બેન્કના જણાવ્યા અનુસાર ઓપેક દેશો તરફથી પણ ઉત્પાદનને સીમીત દાયરામાં લાવવામાં આવી શકે છે. બ્લુમબર્ગના રિપોર્ટમાં ઍવું કહેવાયું છે કે, અમેરિકાની તરફથી ઇરાન સાથેના અણુ કરાર પર પુર્ણવિરામ મુકી દેવામાં આવ્યો છે, તેમજ આર્થિક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. તેની ક્રુડના ભાવો ઉપર અસર જોવા મળી રહી છે ઍટલે કે ૨૦૧૪ બાદ પાંચ વર્ષમાં ફરીથી ક્રુડના ભાવ ૧૦૦ ડોલરની સપાટી કુદાવી દેશે.

અમેરિકા અને રશિયા જેવા મહાસત્તાઓની લડાઇમાં ક્રુડના ભાવ ઉછળી રહયા છે. અમેરિકા અને તેના સાથી દેશો દ્વારા લેવામાં આવેલા આ પગલાંની સામે રશિયા નારાજ છે અને રશિયા દ્વારા પણ ઓપેક દેશોમાં ક્રુડના ઉત્પાદનમાં ઘટાડો કરવાનું સુચવી શકે છે. ઇરાન સાથેના રશિયાના સારા સંબંધો છે.

આ ઉપરાંત, અમેરિકાના નિર્ણય બાદ ઇઝરાયેલ દ્વારા સીરીયા પર હુમલા શરૂ કરી દેવામાં આવ્યા છે. જોકે, સીરીયાઍ પણ વળતો પ્રહાર કર્યો છે, જે હવે મોટી જંગના ઍધાણ માનવામાં આવી રહયા છે. અગાઉ સીરીયા દ્વારા કેમિકલ વેપનના ઉપયોગની વિરૂદ્ઘમાં અમેરિકાઍ સીરીયા પર હવાઇ હુમલા કર્યા હતા.

જેમાં ઇઝરાયેલ પણ જોડાયું હતું. આમ, રશિયા અને અમેરિકા વચ્ચેની લડાઇમાં વિકાસશીલ દેશોની હાલત વધુ કફોળી બનતી જોવા મળી રહી છે. બીજી તરફ, ઇરાન દ્વારા પ્રતિબંધની સામે ઇરાને ક્રુડના ઉથ્પાદનમાં ઘટાડો કરી દેવાની ચીમકી ઉચ્ચારી છે, ત્યારે અમેરિકાઍ ક્રુડના ઉત્પાદનમાં વૃદ્ઘિ કરી દેવામાં આવી છે. જેનો લાભ પણ અમેરિકાને મળશે.

ભારતની વાત કરીઍ તો ભારત સૌથી વધુ ક્રુડની આયાત કરનારો દેશ છે, જેથી ક્રુડના ભાવોમાં ઉછાળો થતાં દેશના અર્થતંત્રને મોટો ફટકો પડી શકે તેમ છે અને નાણાંકીય ખાધમાં જોરદાર ઉછાળો થવાની દહેશત સેવાઇ રહી છે. બીજી તરફ, મોદી સરકાર દ્વારા ઍકસાઇઝ ડયુટીમાં ઘટાડો કરવામાં આવી રહયો નથી, અને જીઍસટીમાં પણ પેટ્રોલ-ડિઝલને લાવવામાં આવ્યા નથી, તેથી પ્રજા પર મોટો ભાર પડી રહયો છે.

ઍક સારા સમાચાર મળી રહયા છે કે, આવનારી જીઍસટી કાઉન્સીલની બેઠકમાં નેચરલ ગેસને જીઍસટીના દાયરામાં લાવવાનો પ્રયાસ થશે. આમ, આ શરૂઆત છે, જે ઍકાદ વર્ષમાં પેટ્રોલ-ડિઝલને પણ જીઍસટીના દાયરામાં લાવી દેવામાં આવી શકે છે. જોકે, આ નિર્ણયની દેશવાસીઓ આતુરતાથી રાહ જોઇ રહયા છે, કેમ કે, મોદી સરકારમાં દેશવાસીઓ સૌથી વધુ પેટ્રોલ-ડિઝલના ભાવો ચુકવી રહયા છે.

ક્રુડ ઓઇલના ભાવો પહેલાથી ત્રણ વર્ષની ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ચુકયા છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તરફથી ઇરાન પર વધુ ઍકવાર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવાના છે, તે પહેલાં જ ઇરાને પહેલાથી સપ્લાયના ઘટાડાથી ઝઝૂમી રહેલા બજારને વધુ ઍક ઝટકો આપ્યો છે અને ક્રુડના ઉત્પાદનમાં ઘટાડો કરવાની ચીમકી ઉચ્ચારી છે.

જોકે, ઇરાનનું અર્થતંત્રમાં ૬૦ ટકા હિસ્સો ક્રુડ ઓઇલની આવક પરથી થાય છે, જેથી ઇરાને ચીમકી ઉચ્ચારી છે, પરંતુ તેના પરિણામો પોતાને પણ ભોગવવા પડશે.

જોકે, આવનારા સમયમાં ક્રુડ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના વધુ પ્રબળ છે અને તેના પગલે ૧૮ મહિના સુધી ક્રુડ ઓઇલની સ્થિતિ મજબૂત રહેશે, ડીમાન્ડ સામે સપ્લાય ઓછો હોવાથી ટાઇટ પોઝીશનને ભોગવવી પડશે, જેની સામે ક્રુડના ભાવો વધુ ઉછળશે.

  • Related Posts