શહેર અને ગામના વિસ્તારોમાં પતંજલિ આયુર્વેદના વેચાણમાં ઘટાડો નોંધાયા પછી હવે કંપની તેની જાહેરાતમાં પણ ઘટાડો કરી રહી છે. બાબા રામદેવની કંપની હવે માર્કેટ પરથી પણ પકડ ગુમાવી રહી છે. ટીવી અને અખબારોમાંથી પણ તેની જાહેરાતો ગાયબ થઇ રહી છે. એક અખબારના જણાવ્યા અનુસાર ટીવી અને અખબારોમાં પણ હવે બાબા રામદેવની કંપનીની જાહેરાતો ઓછી જોવા મળી રહી છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલના આંકડા પ્રમાણે કંપની હવે ટોપ ટેન ઍડ્વર્ટાઇઝર્સની યાદીમાં સામેલ નથી.
વર્ષ 2016માં પતંજિલ જાહેરાત આપવામાં ત્રીજા ક્રમે હતી અને વર્ષ 2017માં તે છઠ્ઠા ક્રમે હતી. 2012 થી 2017 દરમિયાન તેમની કંપનીને ભારે નફો થયો હતો. કંપનીનું વેચાણ રૂપિયા 500 કરોડથી વધીને 10હજાર કરોડ પર પહોંચી ગયું હતું. યોગ ગુરૂ તરીકે જાણીતા સ્વામી રામદેવની લોકપ્રિયતાએ પણ કંપનીનું વેચાણ વધારવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આ સમયગાળા દરમિયાન કંપનીએ સ્વદેશીની થીમના આધારે અનેક ઉત્પાદનો બજારમાં મૂક્યા હતા. તેમણે બહુરાષ્ટ્રીય કંપનીઓની સરખામણી ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે કરી હતી.
તે દરમિયાન પંતજલિ અનેક મોટી બહુરાષ્ટ્રીય કંપનીને ટક્કર આ્પતી જોવા મળી હતી. ત્યાર પછી હવે કંપનીના વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નાણાકીય વર્ષ 2018માં કંપનીનું વેચાણ રૂપિયા 8100 કરોડ હતું જે 2019માં પહેલા 9 મહિનામાં ફક્ત 4800 કરોડ જેટલું જ રહી ગયું હતું.