પાકિસ્તાનની નિર્ભયાના બળાત્કારીને ફાંસીની સજા

પાકિસ્તાનમાં ઍક ત્રાસવાદ વિરોધી અદાલતે ઍક શ્રેણીબદ્ઘ હત્યારાને ૭ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરવા અને તેની ક્રૂર હત્યા કરવા બદલ આજે ફાંસીની સજા સંભળાવી હતી. બાળકી સાથે દુષ્કર્મ અને તેની હત્યાના બનાવ બાદ આખા દેશના લોકો રોષે ભરાયાં હતાં. દેશના ઈતિહાસમાં સૌથી ઓછા ચાર દિવસના સમયગાળામાં પૂર્ણ થનારો આ પ્રથમ કેસ છે.
કોટ લખપત જેલમાં ઉચ્ચ સુરક્ષા વચ્ચે ઈન-કેમેરા સુનાવણીમાં જજ સજ્જાદ હુસૈને ચુકાદો આપતાં ૨૩ વર્ષના ઈમરાન અલીને બાળકની હત્યા કરવા, બાળકનું અપહરણ કરવા, સગીર સાથે બળાત્કાર કરવા અને સગીર સાથે સૃષ્ટિ વિરૂદ્ઘ કૃત્ય કરવા બદલ ફાંસીની સજા સંભળાવી હતી. ઈમરાનને સાથે જ ૭ વર્ષની કેદ અને રૂપિયા ૧ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
ઈમરાને કાસુર શહેરમાં ૭ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી તેના મૃતદેહને કચરાના ઢગલાંમાં ફેંકી દીધો હતો, તેના બે સપ્તાહ બાદ જાન્યુઆરીમાં તેની ધરપકડ કરાઈ હતી.
બાળકી સાથે ક્રૂર બળાત્કાર અને તેની હત્યાના પગલે આખો દેશ રોષે ભરાયો હતો અને દેશભરમાં ઉગ્ર પ્રદર્શનો થયા હતાં. કસૂર શહેરમાં ૧૦ કિલોમીટરના વિસ્તારમાં આ પ્રકારનો આ ૧૨મો બનાવ હતો. ધરપકડ બાદ જાણવા મળ્યું હતું કે ઈમરાને આ રીતે વધુ ૮ બાળકીઓની હત્યા કરી હતી ત્યારબાદ કેટલાક પાકિસ્તાની નાગરિકોઍ ઈમરાનને જાહેરમાં મૃત્યુદંડ આપવાની માંગણી કરી હતી.
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts