દક્ષિણ આફ્રિકામાં કોહલીની ટીમે રચ્યો ઇતિહાસ

પોર્ટ ઍલિઝાબેથ : દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પાંચમી વનડેમા ટીમ ઇન્ડિયાઍ દક્ષિણ આફ્રિકા સામે ૭૩ રને વિજય મેળવીને સેન્ટ જ્યોર્જના મેદાન પર ઇતિહાસ રચ્યો હતો. આ વિજય સાથે ભારતીય ટીમે ૬ વનડેની સિરીઝમાં ૪-૧ની સરસાઇ મેળવીને પોતાનો શ્રેણી વિજય નિશ્ચિત કરી લીધો છે, સાથે જ આ મેદાન પર અત્યાર સુધી ઍકપણ મેચ જીતી ન શકવાના અભિશાપનો પણ અંત આણ્યો છે. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને નિર્ધારિત ૫૦ ઓવરમાં રોહિત શર્માની સદીની મદદથી દક્ષિણ આફ્રિકા સામે ૨૭૫ રનનો લક્ષ્યાંક મુક્યો હતો, જેની સામે દક્ષિણ આફ્રિકાની ટીમ ૪૨.૨ ઓવરમાં ૨૦૧ રને ઓલઆઉટ થઇ હતી. ટીમ ઇન્ડિયા તરફથી કુલદીપ યાદવે ચાર જ્યારે હાર્દિક અને ચહલે બે-બે વિકેટ જ્યારે બુમરાહે ઍક વિકેટ ઉપાડી હતી.

દક્ષિણ આફ્રિકાને હાશિમ અમલા અને ઍડેન માર્કરમે મજબૂત શરૂઆત અપાવી હતી અને બંને વચ્ચે ૫૨ રનની ભાગીદારી થઇ હતી. જો કે માર્કરમની વિકેટ પડી પછી ડ્યુમીની પણ બે રનના ઉમેરા સાથે આઉટ થયો હતો અને તે પછી ડિવિલયર્સ પણ ટીમનો સ્કોર ૬૫ રને હતો ત્યારે પેવેલિયન ભેગો થયો હતો. ૬૫ રને ત્રણ વિકેટ ગુમાવનારા દક્ષિણ આફ્રિકાને અમલા અને મિલરે ચોથી વિકેટની ભાગીદારીમાં ૬૨ રનની ભાગીદારી કરી સ્થિર કર્યુ હતું, મિલર આઉટ થયો તે પછી અમલાઍ ક્લાસેન સાથે મળી ૩૯ રનની ભાગીદારી કરી ત્યારે અમલા અંગત ૭૧ રને આઉટ થયો હતો. ક્લાસેને છેલ્લે સુધી લડત ચલાવી હતી, પણ અંતે તે પણ થાક્યો હતો અને કુલદીપના બોલે તે સ્ટમ્પીંગ થયો હતો.

ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાઍ ફિલ્ડીંગ પસંદ કરી હતી અને તે પછી શિખર ધવન અને રોહિત શર્માઍ ટીમને ઝડપી શરૂઆત આપીને ૪૮ રન જોડ્યા હતા. ધવન ૩૪ રન બનાવી રબાડાના બોલે બાઉન્ડ્રી પર ફેલુકવાયોના હાથમાં ઝીલાયો હતો. તે પછી રોહિત અને વિરાટ કોહલી વચ્ચે બીજી વિકેટની ભાગીદારીમાં ૧૦૫ રન ઉમેરાયા હતા. જોકે પરસ્પરના તાલમેલમાં ગરબડ સર્જાતા વિરાટ ૩૬ રને રનઆઉટ થયો હતો. તે પછી આંજિકેય રહાણે પણ ઍક રન લેવાના પ્રયાસમાં અંગત ૮ રને રનઆઉટ થયો હતો. અત્યાર સુધી સિરીઝમાં ફ્લોપ રહેલા રોહિતનું બેટ અણીના સમયે બોલ્યું હતું અને તે ૯૬ રને પહોંચ્યો હતો ત્યારે બાઉન્ડ્રી પર શમ્સ તબરેઝે તેનો કેચ પડતો મુક્યો હતો. આ જીવતદાનનો ઉપયોગ કરીને રોહિતે પોતાની ૧૭મી સદી પૂર્ણ કરી હતી. રોહિત અને શ્રેયસ ઐય્યર વચ્ચે અર્ધસદીની ભાગીદારી થઇ હતી. ૪૩મી ઓવરમાં રોહિત અંગત ૧૧૫ રનના સ્કોરે ઍન્ગીડીના બોલે વિકેટ પાછળ ક્લાસેનના હાથમાં ઝીલાયો હતો. તેણે પોતાની ઇનિંગમાં ૧૧ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.

 

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…
  • Related Posts