તુર્કીનું ખાનગી વિમાન ઇરાનમાં તૂટી પડ્યું : ૧૧ના મોત

તહેરાન : તુર્કીના બિઝનેસમેનની પુત્રી પોતાની સાત સખીઓ સાથે હેન પાર્ટી માટે દુબઇ જઇ રહી હતી ત્યારે તેમનું પ્રાઇવેટ જેટ ઇરાન નજીક તૂટી પડતા તેમાં સવાર તમામ ૧૧ મહિલાના મોત થયા હોવાનું અધિકારીઓ અને મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. રવિવારની રાત્રે સંયુક્ત આરબ અમિરાતથી આ વિમાન ઇસ્તંબુલ જઇ રહ્યું હતું, ત્યારે ઇરાનના પર્વતિય વિસ્તારમાં વરસાદને કારણે તે તૂટી પડ્યું હતું.

બોમ્બાર્ડિયર ચેલેન્જર૬૦૪ વિમાનમાં મીના બસરાં અને તેની સાત સખીઓ સવાર હતી, આ વિમાનમાં ત્રણ ક્રુ મેમ્બર કે જેઓ પણ મહિલા જ હતી તે તમામના આ દુર્ઘટનામાં મોત થયા હતા. નાગરિક ઉડ્ડયન ઓર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે પાયલોટે ટેક્નીકલ ખામી સર્જાઇ હોવાનું કહીને લેન્ડીંગ માટે કહ્યા પછી આ વિમાન રવિવારે સાંજે ૬.૦૯ કલાકે તૂટી પડ્યું હતું, આ વિમાન ઝાગરો પર્વત પર તૂટી પડ્યું હતું. ઉડ્ડયન ઍજન્સીઍ કહ્યું હતું કે આઠ મુસાફરોમાંથી ૬ તુર્કી નાગરિક હતી જ્યારે બે સ્પેનિશ હતી.

ઍક ન્યુઝ ઍજન્સીઍ જણાવ્યું હતું કે તુર્કીના મોટા બિઝનેસમેન હુસેન બસરાંની પુત્રી મીના બસરાં પોતાની સખીઓ સાથે હેન પાર્ટી મતલબ ઍક ઍવું ભોજન કે જ્યાં માત્ર સ્ત્રીઓની જ હાજરી હોય છે તેના માટે દુબઇ ગયા હતા. મીના બસરાંના આવતા મહિને ૧૪ ઍપ્રિલના રોજ ઇસ્તંબુલના સિરાલી પેલેસમાં બિઝનેસમેન મુરાત ગેઝર સાથે લગ્ન થવાના હોવાથી તેઓ દુબઇ તેની ઉજવણી કરવા માટે ગયા હતા. પાર્ટી કરીને તેઓ પરત તુર્કી પાછા ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ધટના સર્જાઇ હતી. તમામ ૧૧ મૃતકોના મૃતદેહ ખરાબ રીતે સળગી ગયા હોવાથી હવે તેમની ઓળખ માટે ડીઍનઍ ટેસ્ટ કરવામાં આવશે.

  • Related Posts