ઝી જિનપીંગનો આજીવન રાષ્ટ્રપતિ બની રહેવાનો રસ્તો સાફ

ચીનની સંસદે રવિવારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદ માટે બે વારના કાર્યકાળની નિર્ધારિત મર્યાદાનો અંત આણ્યો છે. તેના કારણ હાલના રાષ્ટ્રપતિ ઝી જિનપિંગના આજીવન રાષ્ટ્રપતિ બની રહેવાનો માર્ગ મોકળો થયો છે. ચીનની સંસદે બે કાર્યકાળની અનિવાર્યતાનો બે તૃતિયાંશ બહુમતિઍ અંત આણ્યો હતો. સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (સીપીસી) દ્વારા સૂચિત સંશોધનને સંસદમાં મંજૂર કરી દેવામાં આવે તે પહેલાથી જ નક્કી હતું.
પાર્ટીના પ્રસ્તાવોનું સમર્થન કરતાં રહેવાને કારણે અંદાજે ત્રણ હજાર સભ્યોવાળી સંસદ નેશનલ પીપલ્સ કોંગ્રેસ અર્થાત ઍનપીસીને હંમેશાથી રબર સ્ટેમ્પ સંસદ મતલબ કે અધિકાર વિહિન સંસદકહેવાતી રહી છે અને તે હંમેશા સીપીસીના દરેક પ્રસ્તાવોને મંજૂરી આપી દે છે. આ સ્થિતિમાં હાલમાં થયેલું બંધારણી સંશોધન પણ સંસદમાં કોઇપણ અવરોધ વગર પાસ થવાની સંપૂર્ણ સંભાવના હતી જ. સંસદના વાર્ષિક સત્ર પહેલા સીપીસીઍ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે બે વર્ષના કાર્યકાળની મર્યાદા હટાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો અને તેને મંજૂર કરી દેવાયો છે.
દેંગ શિયોપિંગે શરૂ કરેલી પરંપરાનો સંસદે અંત આણ્યો
ઍ ઉલ્લેખનીય છે કે માઓત્સે તુંગની જેમ અનશ્ચિત કાળ સુધી ફરી કોઇ દ્વારા સત્તા આંચકી લેવાના જોખમને ધ્યાને લેતા સન્માનિત નેતા દેંગ શિયોપિંગે ચીનમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે વધુમાંં વધુ બે વર્ષના કાર્યકાળ મતલબ કે ૧૦ વર્ષ સુધી સત્તામાં જળવાઇ રહેવાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. જોકે રવિવારે જે બંધારણીય ફેરફાર કરાયો તેની સાથે જ ૬૪ વર્ષિય ઝીનો આજીવન ચાઇનીઝ રાષ્ટ્રપતિ બની રહેવાનો માર્ગ મોકળો થયો હતો. હાલમાં તેમનો બીજો કાર્યકાળ ચાલી રહ્યો છે જે ૨૦૨૩માં પૂરો થશે.
સંશોધનની વિરુદ્ઘમાં માત્ર બે મત પડ્યા
આજે જે બંધારણીય સંશોધન પાસ કરવામાં આવ્યું તેની વિરુદ્ઘમાં માત્ર બે મત પડ્યા હતા અને તે પણ વૈવિધ્ય દર્શાવવા માટે સરકારના ઇશારે જ પડ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ચાઇનીઝ સંસદ ઍનપીસીઍ આજે મતદાનમાં ઇવીઍમ કે ધ્વનીમતના સ્થાને મતપત્રનો પ્રયોગ કર્યો હતો. મતપત્રમાં સહમત, અસહમત અને ગેરહાજર રહેવાનો વિકલ્પ હતો. બૈજિંગમાં ગ્રેટ હોલ ઓફ ધ પીપલમાં મતદાન દરમિયાન રાષ્ટ્રપતિ ઝી જિનપીંગે સૌથી પહેલો પોતાનો મત નાંખ્યો હતો.
ચીનના બંધારણમાંં કેટલી વાર સંશોધન કરાયું
ચીનનું પ્રથમ બંધારણ ૧૯૫૪થી અમલમાં આવ્યું હતું. હાલમં જે બંધારણ છે તે ૧૯૮૨થી અમલમાં છે. અત્યાર સુધી તેમાં ૧૯૮૮, ૧૯૯૩, ૧૯૯૯ અને ૨૦૦૪માં ઍમ ચાર વાર સુધારા કરવામાં આવ્યા હતા. ચીનમાં ૧૯૪૯થી લાગુ ઍક પક્ષીય પ્રણાલીમાં આજે સૌથી મોટો રાજકીય ફેરફાર કરાયો છે અને તેના કારણે ઝી જિનપિંગ આજીવન અથવા તો ઇચ્છે ત્યાં સુધી રાષ્ટ્રપતિપદે જળવાઇ રહી શકે છે. આજે જે ફેરફાર થયો તેનાથી સમગ્ર વિશ્વ ખાસ કરીને ભારત જેવા પાડોશી દેશોની ચિંતા વધી છે.

  • Related Posts