જેસન રોયના જોરે દિલ્હી ડેરડેવિલ્સે મુંબઇ ઇન્ડિયન્સને ૭ વિકેટ હરાવ્યુ

આઇપીઍલની આ સિઝનમાં આમ તો દરેક મેચ અંતિમ ઓવર સુધી જઇ રહી છે, જોકે શનિવારે મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચેની મેચનો અંત થોડો વધુ રોમાંચક બન્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ દાવ લઇને ૭ વિકેટે ૧૯૪ રન બનાવ્યા હતા.

૧૯૫ રનના લક્ષ્યાંક સામે મેદાને ઉતરેલી દિલ્હી ડેરડેવિલ્સની ટીમની શરૂઆત મજબૂત રહી હતી અને જેસન રોયના ૯૧ રનના જોરે દિલ્હીઍ સિઝનનો પહેલો વિજય મેળવ્યો હતો. અંતિમ ઓવરમાં દિલ્હીઍ જીતવા માટે ૧૧ રન કરવાના હતા ત્યારે રોયે પહેલા બોલે ચોગ્ગો અને બીજા બોલે છગ્ગો મારીને સ્કોર લેવલ કર્યો હતો. તે પછીના ૩ બોલ ખાલી ગયા હતા. જો કે અંતિમ બોલે ૧ રન લઇ તેણે ટીમને વિજેતા બનાવી હતી.

૧૯૫ રનના ટાર્ગેટ સામે દિલ્હીઍ ઝડપી શરૂઆત કરી, જો કે કેપ્ટન ગૌૈતમ ગંભીર અંગત ૧૬ રન બનાવીને આઉટ થયો તે પછી મોટાભાગે રોયે ઍકલા હાથે જ જવાબદારી સંભાળી હતી. ઋષભ પંત ૪૭ રન ફટકારીને આઉટ થયો તે પછી મેક્સવેલ પણ અંગત ૧૩ રન બનાવી આઉટ થયો હતો.

જોકે આ છતાં બીજે છેડે અડીખમ ઊભા રહેલા જેસન રોયે ટીમને વિજેતા બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવવામાં કોઇ કસર છોડી નહોતી. આ પહેલા મુંૂબઇના દાવની શરૂઆત જોરદાર રહી હતી પણ તેનો અંત સાવ સુસ્ત રહ્યો હતો.

સૂર્યકુમાર યાદવ અને ઍવિન લુઇસની જોડીઍ મજબૂત શરૂઆત અપાવી હતી. શરૂઆતને જોતા લાગતું હતું કે મુંબઇ આજે ૨૩૦થી વધુનો સ્કોર બનાવશે. જો કે ઓપનીંગ જોડી પેવેલિયન ભેગી થઇ તે પછી મુંબઇની ઇનિંગ લથડી પડી હતી અને તેઓ માંડ ૧૯૪ રન સુધી પહોંચ્યા હતા. સૂર્યકુમારે ૫૩ તો લેુઇસે ૪૮ રન બનાવ્યા હતા, આ ઉપરાંત ઇશાન કિશને ૪૪ રન બનાવ્યા હતા. જોકે અન્ય મોટા નામો મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગયા હતા.

  • Related Posts