ક્રિપ્ટો કરન્સીના મામલે સરકારે પહેલેથી જ ધ્યાન આપ્યું હોત તો લોકો લૂંટાયા નહીં હોત!

  • 7
    Shares

 

ઍક તરફ દેશમાં મંદીનો માહોલ હતો અને બીજી તરફ હવે ક્રિપ્ટો કરન્સીના નામે થયેલા કૌભાંડો ખૂલી રહ્યા છે. વિશ્વમાં છેલ્લા કેટલાક સમયથી ક્રિપ્ટો કરન્સીમાં લે-વેચ ચાલી રહી છે. આ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની સામે મોટી રકમનો ફાયદો થતો હોવાથી ઍક પછી ઍક રોકાણકારો જોડાતા ગયા અને આંકડો લાખો નહીં પણ કરોડો પર પહોંચી ગયો.

બિટકોઈન નામની ક્રિપ્ટો કરન્સીમાં તો જાણે લોકોનો જુવાળ આવ્યો. બિટકોઈનમાં કુદકેને ભૂસ્કે વધતા ભાવોને કારણે અનેક રોકાણકારો આકર્ષાયા. અંદાજ પ્રમાણે ઍકલા સુરતમાંથી જ આશરે ૧૫થી ૨૦ હજાર કરોડનું રોકાણ બિટકોઈનમાં કરવામાં આવ્યું. આખા દેશમાંથી તો આ આંકડો લાખો કરોડોનો હશે. બિટકોઈનને આધારે ભારતમાં બિટકનેક્ટ શરૂ કરવામાં આવ્યું. બિટકોઈનમાં મળતા મોટા ફાયદાને કારણે સુરતમાં તો કેટલાક ઍવા કારીગરનો પણ નીકળ્યા કે જેણે પોતે જ ક્રિપ્ટો કરન્સીનું લોંચિંગ કરી દીધું. સુરતમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણનો રાફડો ફાટ્યો અને હવે તેમાં નાણાં રોકનારાઓ માટે પસ્તાવાનો વારો આવ્યો છે.

હાલમાં જ સુરતના ઍક બિલ્ડરને તેના જ ભાગીદારે પોલીસની મદદથી લૂંટી લીધો. સીઆઈડી ક્રાઈમે આખો ગુનો ઉકેલીને તમામની ધરપકડ કરી. બિટકોઈનમાં રોકાણના નામે પૈસા લઈને છેતરપિંડી કરવાના અન્ય ગુનાની પોલીસ ફરિયાદો પણ નોંધાઈ છે. માત્ર બિટકોઈન જ નહીં પણ અન્ય ક્રિપ્ટો કરન્સીમાં પણ છેતરપિંડી કરવામાં આવી હોવાનો ફરિયાદો ઉઠી રહી છે.

સીઆઈડી ક્રાઈમે ત્યાં સુધી લોકોને અપિલ કરવી પડી કે જે ક્રિપ્ટો કરન્સીમાં છેતરાયા હોય તેઓ તેમને ફરિયાદ કરી શકશે. ક્રિપ્ટો કરન્સીમાં થયેલી છેતરપિંડીમાં રોકાણ કરનારાઓ જવાબદાર છે જ પણ સાથે સાથે કેન્દ્ર સરકારની બેદરકારી પણ ઍટલી જ મોટી જવાબદાર છે. બિટકોઈન તો ૨૦૦૯માં લોચિંગ કરવામાં આવ્યો હતો.

છેલ્લા નવ વર્ષથી વિશ્વભરમાં બિટકોઈનમાં ટ્રેડિંગ થતું જ હતું. બિટકોઈન બાદ વિશ્વમાં અન્ય ક્રિપ્ટો કરન્સી પણ લોંચ થઈ. શરૂઆતમાં બિટકોઈનનો ભાવ ખૂબ ઓછો હતો. જેને કારણે કોઈને તેમાં ટ્રેડિંગ કરવામાં ઍટલો રસ પણ નહોતો, પણ જેમ જેમ બિટકોઈનનો ભાવ વધતો ગયો તેમ તેમ લોકોની લાલચ વધતી ગઈ. જે બિટકોઈનનો ભાવ બે આંકડામાં બોલાતો હતો તે બિટકોઈનનો ભાવ લાખોમાં થઈ ગયો.

અધુરામાં પુરૂં ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી લાગુ પાડવામાં આવી. અનેક લોકો દ્વારા પોતાના કાળા નાણાંને બિટકોઈન સહિતની ક્રિપ્ટો કરન્સીમાં રોકી દેવામાં આવ્યું. બિટકોઈનના ભાવમાં મોટો ઉછાળો આવ્યો. ઍકને કમાતો જોતા બીજાઍ પણ નાણાં રોક્યા અને આમ બિટકોઈનમાં રોકાણની માત્રા વધતી રહી. બિટકોઈનનો ભાવ વધ્યો અને સુરત સહિતના ભારતના શહેરોમાંથી મોટાપાયે નાણાંનું તેમાં રોકાણ થયું.

સુરતના કૌભાંડીઓ દ્વારા બિટકોઈનના આધારે બિટકનેક્ટ પણ શરૂ કરી દેવામાં આવ્યું. કૌભાંડીઓને જાણે ‘મોકળું મેદાન’ મળી ગયું. મોટાભાગનાને બિટકોઈન કે બિટકનેક્ટમાં ખાસ સમજ પડતી નહોતી. કૌભાંડીઓ દ્વારા તેનો લાભ લેવામાં આવ્યો અને લોકોના નાણાં રોકાણના નામે લઈને બાદમાં કૌભાંડીઓ વિદેશ જ ભાગી ગયા. જ્યારે પોતાના નાણાં પરત નહી મળ્યા ત્યારે રોકાણકારોને સમજ પડી કે પોતે છેતરાયા. શરૂઆતમાં બિટકોઈનમાં થતા ટ્રેડિંગ સંદર્ભમાં કેન્દ્ર સરકાર જાગી નહીં!

છેક ત્રણેક માસ પહેલા બજેટ રજૂ કરતી વખતે કેન્દ્ર સરકારે ઍવું જાહેર કર્યુ કે દેશમાં ક્રિપ્ટો કરન્સીમાં વેપાર કરવો ઍ ગેરકાનુની ગણાશે પણ ત્યાં સુધીમાં તબેલામાંથી ઘોડા નાસી ગયા હતા. જો કેન્દ્ર સરકારે શરૂઆતમાં જ ધ્યાન આપ્યું હોત અને ક્રિપ્ટો કરન્સીમાં થતા વેપારને ક્યાં તો કાયદેસર અથવા તો ક્યાં ગેરકાયદે જાહેર કરી દીધો હોત તો લોકો છેતરાતા બચ્યા હોત.

સરકારે ઈચ્છ્યું હોત તો ક્રિપ્ટો કરન્સીમાં રોકાણને કાયદેસર જાહેર કરી ઍક વ્યવસ્થા ઉભી કરી શક્યું હોત કે જેથી લોકો કૌભાંડી પાસે જવાને બદલે શેરબજારની જેમ પોતાના ઍકાઉન્ટ ખોલાવી ક્રિપ્ટો કરન્સી લઈ શક્યા હોત અને જો તેને ગેરકાયદે જાહેર કરવું હતું તો અગાઉથી જ જાહેર કરી કૌભાંડીઓ પર સિકંજો કસી શક્યા હોત પરંતુ કમનસીબે તેવું થયું નહીં.

કેન્દ્ર સરકારની ઢીલાશને કારણે કૌભાંડીઓ વિદેશ ભાગી જવામાં સફળ રહ્યા. હજુ પણ કેન્દ્ર સરકારની આંખ ઉઘડી નથી. બજેટમાં જાહેર કર્યા બાદ હજુ સુધી કેન્દ્ર સરકારે ક્રિપ્ટો કરન્સીના મામલે ગેરકાયદે જાહેર કરતો કાયદો કે સજાની જોગવાઈઓ જાહેર કરી હોય તેવું લોકોના જાણમાં નથી. જે લોકોઍ બિટકોઈનમાં નાણાં રોકી દીધા છે તેમનું શું થશે તે અંગે સરકારે કોઈ માર્ગદર્શિકા આપી નથી.

સરવાળે સરકારની બેદરકારીને કારણે હજુ પણ ક્રિપ્ટો કરન્સીમાં નાણાં રોકનારાઓ ઍ ખબર જ નથી કે તેમના પૈસા પરત આવશે કે કેમ* હજુ પણ સમય છે, સરકાર તાત્કાલિક ધોરણે ક્રિપ્ટો કરન્સીના મામલે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે અને કૌભાંડીઓને સજા કરે, નહીં તો રોકાણકારોઍ માથે હાથ દઈને રોવાનો જ વારો આવશે તે નક્કી છે.

  • Related Posts