અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં બે ગોળી મારી હત્યા
અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે . જયંતી ભાનુશાળી સોમવારે રાત્રે ભૂજથી બાંદ્રા જતી સયાજી નગરી ટ્રેનમાં એસી કોચમાં હતા અને અમદાવાદ આવી રહ્યા હતા. સયાજી નગરી ટ્રેન જ્યારે માળિયા પાસે પહોંચી ત્યારે કેટલાક શખ્સોએ એસી ફર્સ્ટ ક્લાસ કોચમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આંખ અને છાતીના ભાગે ગોળી વાગતા ભાનુશાળી ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જયંતી ભાનુશાળીનું પોસ્ટ મોર્ટમ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવશે અને અમદાવાદમાં જ જયંતી ભાનુશાળીની અંતિમક્રિયા પણ કરવામાં આવશે.
પોલીસ દ્વારા જયંતી ભાનુશાળી સાથે એસી ફર્સ્ટ ક્લાસમાં રહેલા સહ પ્રવાસી પવન મૌર્યની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે પવન મૌર્યને માળિયા પાસે જ ઉતારી લીધો હતો. પોલીસ દ્વારા આ હત્યાની તપાસ કરીને સત્ય બહાર લાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જો કે હાલમાં આ હત્યાના અહેવાલ રાજ્ય સહિત દેશભરમાં પ્રસરતા આખરે હત્યા કોણે કરાવી તેની ચર્ચાઓ થઈ રહી છે.